જયા બચ્ચન સાથે સરખામણીને તાપસી પન્નુએ ગણાવી પ્રશંસા, પાપારાઝી સાથેના વર્તન પર આપ્યો જવાબ

તાપસીએ કહ્યું- જયા બચ્ચન સારી અભિનેત્રી અને મજબૂત મહિલા; કેમેરાપર્સન દ્વારા વારંવાર નામની બૂમો પાડવામાં આવે તે પસંદ નથી

જયા બચ્ચન સાથે સરખામણીને તાપસી પન્નુએ ગણાવી પ્રશંસા, પાપારાઝી સાથેના વર્તન પર આપ્યો જવાબ

મુંબઈ, તા. ૧૧
અભિનેત્રી તાપસી પન્નુ પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ અને પાપારાઝી સાથેની વાતચીતને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે. કેમેરાપર્સન સાથેના તેના ક્યારેક કડક વર્તનને કારણે સોશિયલ મીડિયા પર તેની સરખામણી જયા બચ્ચન સાથે કરવામાં આવે છે. કેટલાક લોકો તાપસીને જયા બચ્ચનનું ‘લાઇટ વર્ઝન’ પણ કહે છે. હવે આ સરખામણી અંગે તાપસીએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
તાપસીએ જણાવ્યું હતું કે જયા બચ્ચન સાથે તેની સરખામણી કરવામાં આવે તો તે તેને પ્રશંસા તરીકે જ જુએ છે. તેના કહેવા પ્રમાણે જયા બચ્ચન એક સારી અભિનેત્રી અને મજબૂત મહિલા છે. તેથી તેમની સાથે પોતાની સરખામણી થવી તે સકારાત્મક રીતે લે છે.
પાપારાઝી સાથેના પોતાના અનુભવો અંગે વાત કરતાં તાપસીએ સ્વીકાર્યું હતું કે કેટલીક પરિસ્થિતિમાં તેણે વધુ નમ્ર બનવાની જરૂર હોઈ શકે છે. જોકે તેણે કહ્યું કે કેમેરાપર્સન સતત તેનું નામ લઈને બૂમો પાડે તે તેને પસંદ નથી. તાપસીના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ નજીક જ ઊભી હોય ત્યારે તેને બોલાવવા માટે વારંવાર ઊંચા અવાજે નામ લેવાની જરૂર નથી.
તાપસીએ પોતાના ગુસ્સાવાળા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા અંગે પણ હળવા અંદાજમાં વાત કરી હતી. તેના કહેવા પ્રમાણે આવા વીડિયો અને તસવીરો ઘણી વખત ક્લિકબેઇટ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેના કારણે સંબંધિત સોશિયલ મીડિયા પેજને વધુ વ્યૂઝ મળે છે.
તાપસીએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તેના ગુસ્સાની ક્ષણો પણ ફોટોગ્રાફર્સને સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવામાં મદદ કરે છે. પાપારાઝી સાથેના પોતાના સમીકરણ અંગે તાપસી અગાઉ પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતી રહી છે અને આ વખતે જયા બચ્ચન સાથે થતી સરખામણીને તેણે નકારાત્મક રીતે લેવાને બદલે પ્રશંસા તરીકે સ્વીકારી છે.