જે લોકો દેશહિતમાં કામ કરે છે, તે સંઘ સાથે જાેડાયેલા હોય કે ના હોય, તેઓ સંઘના સ્વયંસેવકો જ છે રાષ્ટ્રહિતમાં સંઘ સૌની સાથે : ડો. મોહનજી ભાગવત
હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્યનો પાડોશી દેશનો વિભાજનકારી વિચાર ભારતમાં ના પ્રસરે તે જરૂરી : ભારતના વસુધૈવ કુટુંબકમનો ભાવ જ સાચું ગ્લોબલાઈઝેશન : કોરી સ્લેટ સમાન ઝેન-જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવી પડશે : સંઘના સરસંઘચાલક પૂ. ડો. મોહનજી ભાગવતની સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખજનો સાથે વિચાર ગોષ્ઠી
રાજકોટ તા.રર
જે લોકો દેશહિતમાં કામ કરે છે, તે સંઘ સાથે જોડાયેલા હોય કે ના હોય, તેઓ સંઘના સ્વયંસેવકો જ છે, તેવું સંઘ માને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂ. ડો. મોહનજી ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો. મોહનજીએ કહ્યું હતું કે, દેશહિતનો કોઈને ઈજારો ન આપી શકાય. તે સૌનું કામ છે અને સંઘ આ પ્રકારનાં કાર્યો કરનારા સૌની સાથે છે. હિન્દુ સમાજને જ સૌથી મોટો ગણાવતા ડો. મોહનજીએ કહ્યું હતું કે, અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો છે અને સ્વીકૃતિ વધી છે, તે હિન્દુ સમાજના આશીર્વાદથી જ થયું છે. સાહજિક વાર્તાલાપ કરતાં ડો. મોહનજીએ કહ્યું હતું કે, સંઘને જાણવા અને સમજવાનો પ્રયાસ નિરંતર ચાલતો રહે છે. અમે પણ સતત એ પ્રક્રિયામાં છીએ. સંઘની કોઈ સાથે તુલના ન કરી શકાય. અન્ય દેશો આજે સંઘની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે. સંઘ દેશહિતમાં કાર્ય કરનારા લોકોને તૈયાર કરવાની, આ પ્રકારનાં કામો કરતા લોકોને સાથે લઈને ચાલતી એક અનોખી કાર્યપદ્ધતિ છે. તેમણે કહ્યું હતું કે, સંઘના સ્વયંસેવકો સંઘમાં તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી. શુદ્ધ સાત્વિક પ્રેમ, આત્મીયતાના આધારે સંઘનું કાર્ય ચાલે છે. સંઘ શાખાના માધ્યમથી સંસ્કાર આપીને સ્વયંસેવકને તૈયાર કરે છે. પછી સ્વયંસેવક પોતાના વિવેક અનુસાર કાર્ય કરે છે. આ લોકો દેશ માટે જીવે અને જરૂર પડ્યે દેશ માટે સમર્પણ આપવા તૈયાર રહે છે. સંઘની આ મેથડોલોજી છે. સંઘ શું નથી તેની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સંઘ પ્રતિક્રિયા, વિરોધ કે સ્પર્ધા માટે નથી શરૂ થયો. પણ સ્વતંત્રતા સંગ્રામના કાળમાં એક સમયે દેશહિત માટે ચાલતી તમામ વિચારધારાઓ અને કાર્યોનો સમન્વય સંઘમાં છે. સંઘના સ્થાપક ડો. હેડગેવારજીના જીવન પ્રસંગોના ઉલ્લેખ સાથે તેમણે કહ્યું હતું કે, ડોક્ટરજીએ આ જન્મમાં માત્ર દેશહિત માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશની આઝાદી માટે અનેક મહાનુભાવો કાર્યરત હતા, પરંતુ ડોક્ટરજીએ ઈતિહાસનું મંથન કર્યું અને દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત, આત્મગૌરવયુક્ત અને શક્તિશાળી સમાજના નિર્માણ માટે સંઘની શરૂઆત કરી હતી. આ માટે તેમણે પહેલા ૧૦ વર્ષ સમાજ જીવનમાં પ્રયોગો કર્યા. બાદમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના કરી. એ પછી સતત ૧૪ વર્ષ સુધી વિરોધ, ઉપેક્ષા વચ્ચે ધરાતલ પર કામ કરતાં-કરતાં સંઘની કાર્યપદ્ધતિ તૈયાર થઈ છે. હિન્દુત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે. જે વિચારમાંથી સંવિધાન તૈયાર થયું છે, સંઘ એ જ પદ્ધતિથી કામ કરે છે. હિન્દુ એ ગુણ અને સ્વભાવ દર્શાવે છે, તે ભારતનો જવાબદાર સમાજ છે. તેમણે કહ્યું કે, દુનિયાના દેશો શક્તિશાળી બન્યા પછી ક્યા માર્ગે ચાલે છે, તે બધા જુએ છે. પરંતુ ભારત જ એવો દેશ છે, જે શક્તિશાળી બન્યા પછી પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરે છે. ભારત વિશ્વગુરૂ બનીને દુનિયાનું માર્ગદર્શન કરશે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોએ પોતાને ચોક્કસ મત-પંથના દેશો ગણાવ્યા અને દુનિયાના અન્ય દેશો પણ પોતાને ચોક્કસ મત-પંથના દેશ કહે છે. ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો, કારણ કે હિન્દુ સૌ મત-સંપ્રદાય-પંથનું સ્વાગત કરે છે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોના લોકો સાથે પણ સંવાદિતાથી કામ થાય તેવો વિચાર રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા લોકોના મનમાં ચાલી રહ્યો છે.

સંઘની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં પૂ. સરસંઘચાલકજીએ કહ્યું કે, સંઘે પ્રારંભથી જ નક્કી કર્યું હતું કે, સંઘ વોટબેન્કની રાજનીતિમાં નહીં પડે. સંઘ રાજનીતિ સાથે સંબંધ નથી રાખતો. મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે. આજે અનુકૂળતાના માહોલમાં પણ સંઘ વિરક્તિ-ભાવ, સાદગીના ગુણને વળગીને આગળ વધી રહ્યો છે અને સમાજના જ કામને આગળ વધારી રહ્યો છે. હજુ પણ દરેક ગ્રામ અને નગર સુધી શાખા પહોંચાડવાની છે. હજુ પણ કાર્યનો વિસ્તાર અને દ્રઢિકરણ કરવાનું છે. સમાજના સદગુણો અંગે તેમણે કહ્યું કે, આપણે મીડિયામાં જેટલું જોઈએ-વાંચીએ છીએ, તેના કરતાં ૪૦ ગણા વધુ સકારાત્મક કામો સમાજમાં થઈ રહ્યા છે. સંઘ સજ્જનશક્તિનું નેટર્વકિંગ કરી રહ્યો છે. સમાજમાં સારાં કામ કરનારા લોકો સાથે જોડાય છે અને સંઘ અન્ય સારાં કામ કરનારાઓ સાથે જોડાઈને પણ ચાલે છે. જેના થકી સમાજમાં એવું વાતાવરણ નિર્માણ કરવાનું છે કે સમાજ આ સજ્જનશક્તિને અનુસરે. દરેક લોકો સમાજ માટે કામ કરી શકે તે માટે સંઘે પંચ પરિવર્તનનો વિચાર રજૂ કર્યો છે. આ તકે પ્રમુખજનો સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, ઝેન-જી કોરી સ્લેટ છે. તે ખૂબ પ્રામાણિક છે. તેમને સાંભળો અને પછી માર્ગદર્શન કરો. ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે. સોશિયલ મીડિયાના ઉપયોગના વિવેક અંગે તેમણે કહ્યું હતું કે, તે આપણું માલિક ના બનવું જોઈએ, આપણે સોશિયલ મીડિયાના માલિક બની દેશહિત માટે ઉપયોગ કરીએ. વૈશ્વિકિકરણમાં સંઘ અને ભારતની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, ભારતના વસુધૈવ કુટુંબકમનો ભાવ જ સાચું ગ્લોબલાઈઝેશન છે. અન્ય દેશોના ગ્લોબલાઈઝેશનનો વિચાર દુનિયાને માર્કેટ બનાવે છે અને જો ઉપયોગમાં ના રહે તો ફેંકી દે છે. આપણે ગ્લોબલ પરિવારમાં માનીએ છીએ. આ બાબતે ભારત વિશ્વગુરૂ છે. રાજકીય ગણતરી સાથે થતા સેવાકાર્યો અંગેના પ્રશ્નમાં ડો. મોહનજીએ કહ્યું હતું કે, સમાજમાં અનેક એવા લોકો છે, જેઓ રાજકીય આકાંક્ષા કોઈ અપેક્ષા વિના સેવા કાર્યો કરે છે. આવા લોકો જ સમાજના પ્રેરક ઉદાહરણ બનવા જોઈએ, અને આપણે પણ તેવા બનવાનો પ્રયાસ કરીએ. પાડોશી દેશના તોફાનો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, મુસ્લિમો અને હિન્દુઓ સાથે ન રહી શકે તેવા વિચારને ત્યાં ફરી બળ અપાઈ રહ્યું છે. ભારતમાં આ વિચાર ન પ્રસરે તે જરૂરી છે, તે માટે સમાજની જાગૃતિ જરૂરી છે. ભ્રષ્ટાચારના મુદ્દા અંગે તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર મનમાં છે અને આપણે તેને વ્યવસ્થામાંથી કાઢવા માગીએ છીએ. જો વ્યક્તિ-વ્યક્તિ સંસ્કારી બનશે તો ભ્રષ્ટાચારને દૂર કરી શકાશે. સંસ્કાર જ ભ્રષ્ટાચાર પર રોક લગાવી શકે છે. આ કાર્યક્રમમાં બહેનોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, સૌરાષ્ટ્ર-કચ્છના જાણીતા ઉદ્યોગપતિઓ, તબીબો, વકીલો, શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સહિતના પ્રમુખજનો ઉપસ્થિત રહ્યા છે. પૂ. મોહનજીની ઉપસ્થિતિમાં રાજકોટમાં બે દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ તમામ કાર્યક્રમો સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત રહ્યા. દરમિયાન પેન સહિત ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ વિશિષ્ટ પેન વપરાશના અંતે કુંડામાં રોપી દેવાથી માટીમાં ભળી જાય છે અને તેમાંથી છોડ ઉગે છે.


