દ્વારકા ક્ષેત્રે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલું ઐતિહાસિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવ
(પ્રતિનિધી દ્વારા)
દ્વારકા તા.૧ર
દ્વારકાના સમુદ્ર ક્ષેત્રે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલું પ્રાચીન તેમજ અનોખું શિવાલય એવું શ્રી ભડકેશ્વર મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલ છે. ‘ચારે તરફ ઘેરાયેલા કેસરિયા પથ્થરો તથા ઘાટા ભૂરા રંગની સમુદ્રની જળરાશિ વચ્ચે ધ્યાનમગ્ન ઋષિ જેવું અલૌકિક આ શિવાલય એટલે ભડકેશ્વર મહાદેવનું પ્રાકૃત મંદિર"
પુરાણ પ્રસિધ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર-ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા રહી છે. આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું શ્રી ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશિની મધ્યે ખડક પર ભગવાન ભડકેશ્વરનું શિવાલય આવેલું છે. સેંકડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સામે બાથ ભીડીને પોતાના વિજયની ધ્વજા-પતાકા લહેરાવતું આ મંદિર દ્વારકા નગરીના પ્રભાવશાળી ધાર્મિક સ્થાનોમાનું એક છે.
મંદિરના પગથિયાં ચઢતા જ અગ્રભાગે સપ્તરંગી દરિયાઈ વનસ્પતિ (Sear Weed), સુંદર પરવાળા તથા રંગબેરંગી માછલીઓનું સમુળગું સૌદર્ય આ સ્થળે વિખરાયેલું પડેલું છે. કેટલાય વર્ષો પહેલા અહીંયા આ ભૂમિ પર આવેલા ધરતીકંપની નિશાનીરૂપ વિકૃત ખડક પરનું આ મંદિર જે તે યુગના સંભારણાનું પ્રતિક છે. તેમની બાજુમાં આવેલ અંગ્રેજાેની કોઠી તથા તેમના દ્વારા મુળ પ્રજા પર થયેલા અત્યાચારોનું મૌન સાક્ષી આ શિવાલય છે. સમુદ્રમાં જયારે ઓટ આવે છે ત્યારે ખડકની આજુબાજુના ભાગમાંથી પાણી ખાલી થઈ જાય છે. પાણી ખાલી થવાની સાથે જ દર્શનાર્થીઓની શ્રધ્ધાનો તાંતણો મંદિર સુધી પહોંચવા ખેંચાઈ આવે છે.
ખડક પર પહોંચવા માટે સપ્રમાણ અને પહોળા પગથિયાની નાની હાર છે. ઉપર ખુલ્લો ચોક છે. ત્યાંથી આગળ જતા નંદિ, કચ્છપની પથ્થરની પ્રતિમાઓ આવેલી છે. તેની ઉપરનું નાનું બાંધકામ ગર્ભગૃહના શિખર સુધી વિસ્તરી અગાસી જેવો આકાર ધારણ કરે છે. ગર્ભગૃહ આરસ દ્વારા મંડિત છે. ગર્ભગૃહની અંદર શિવ પરિવારના શ્રી ગણેશ અને પાર્વતીની નાજુક છતાં સુંદર પ્રતિમા સ્થાપિત છે. સાથે સાથે દેવી ગંગાજી તથા હનુમાનજીની પ્રતિમાઓ પણ આવેલી છે. આ બધાની મધ્યમાં કાળા પથ્થરનું ભગવાન શિવનું સપ્રમાણ અને મનોહર લિંગ દર્શનીય છે.
લોકોકિત એવી છે કે મથુરામાં જરાસંઘના આક્રમણથી પોતાની યાદવ સેનાના રક્ષણાર્થે ભગવાન એવા કોઈ ભૂ-ભાગની શોધમાં હતા, જયાં શાંતિ અને સલામતીપૂર્વક વસવાટ કરી શકાય, ત્યારે સ્વયં શિવ મહાદેવે ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાના આ વિસ્તારનું સુચન કરેલ. તે સુચન કરનાર મહાદેવ એટલે શ્રી ભડકેશ્વર મહાદેવ, આ લોકોકિત પરથી ભડકેશ્વર મહાદેવની પ્રાચીનતા સંદર્ભે અનુમાન કરી શકાય. ભાવિકો પ્રતિદિન તેમજ શ્રાવણ માસમાં અને શિવરાત્રી ના પવિત્ર તહેવારોએ ષોડશોપચાર વિધિ તથા અન્ય વિધિ-વિધાન દ્વારા પૂજન કરી શ્રી ભડકેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે. અરબી સમુદ્ર પરથી સુસવાટા સાથે પસાર થતો પવન શિવાલયની ધ્વજા સાથે જાણે ૐ ૐ નો નાદ સંભળાવતો હોય તેવો અહેસાસ થાય છે.
મહાશિવરાત્રીના પાવન પર્વે મહાદેવના દર્શનાર્થે તેમજ અહિયાં યોજાતા લોકમેળામાં સમગ્ર ઓખામંડળ તાલુકાના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે મહાશિવરાત્રીના પાવન પર્વે દ્વારકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીંયા ભડકેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. અને સવારથી જ ભાવિકોની લાંબી કતાર ભગવાન શિવની ઝાંખી કરવા તલપાપડ હોય છે. દર વર્ષે મહા વદ-૧૪ના શુભ દિને મહાશિવરાત્રીનો લોકમેળો અહીંયા યોજાય છે. ત્યારે દ્વારકા તેમજ આજુબાજુના ગામના લોકો મોટી આ લોકમેળાની મોજ માણવા ઉમટી પડે છે.


