દ્વારકા જિલ્લા પ્રાંત અધિકારીની બદલી થતાં વિદાયમાન અપાયું

દ્વારકા જિલ્લા પ્રાંત અધિકારીની બદલી થતાં વિદાયમાન અપાયું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૬
દ્વારકા જિલ્લા પ્રાંત અધિકારી અમોલ આવટેની નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે બદલી થતાં દ્વારકાધિશ મંદિર પ્રશાસન દ્વારા તથા શહેરના નગરશ્રેષ્ટીઓ દ્વારા સન્માનિત કરી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. અમોલ આવટે જેવા કડક વહીવટી શિસ્ત, ર્નિભય ર્નિણયશક્તિ અને માનવતાભર્યા સ્વભાવ ધરાવતા અધિકારીઓ બહુ ઓછા જોવા મળે છે. 
દેવભૂમિ દ્વારકાના ઇતિહાસમાં પહેલી વાર એવા પ્રાંત અધિકારી આવ્યા, જેમણે માત્ર એક વહીવટી અધિકારી તરીકે નહીં પરંતુ એક જાંબાઝ સૈનિકની ભાવના સાથે સેવા આપી. રિટાયર્ડ કર્નલ રહી ચૂકેલા પ્રાંત અધિકારી આમોલ આવટેએ પોતાના ૨૦ મહિનાના કાર્યકાળ દરમિયાન દ્વારકા, બેટ દ્વારકા સહિત સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન મજબૂત બનાવતાં લોકહિત અને સરકારી સંપત્તિના સંરક્ષણ માટે ઐતિહાસિક કામગીરી કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર સરકારી જમીન દબાણો સામે વિશાળ અભિયાન હાથ ધરાયું. ધામિર્ક, ધંધાકીય કે રહેણાંક કોઈપણ પ્રકારનું નિયમવિદ્ધ બાંધકામ હોય, ત્યાં કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી. સીધી કાર્યવાહી કરતા પહેલા નોટિસ પાઠવી, જરૂરી દસ્તાવેજો રજૂ કરવા સમય આપવો અને ચોખવટ માટે તક આપવી જેવી પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. દ્વારકામાં ફરજ બજાવતા માત્ર ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં જ આમોલ આવટેએ લોકોના દિલમાં અમિટ છાપ છોડી છે. કડક અધિકારી હોવા છતાં માનવતા અને સંવેદનશીલતા જાળવી રાખનાર આવા અધિકારી પ્રત્યે આજે લોકોમાં સન્માન અને લાગણી બંને જોવા મળી રહી છે. હવે તેમની બદલી રાજપીપળા, નર્મદા જિલ્લામાં થતા દ્વારકાવાસીઓમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું છે. અનેક લોકો તેમના કાર્યકાળને સુશાસનનો સમય તરીકે યાદ કરશે.