નવાબંદરની સીમમાં ખુલ્લા કુવામાં એક સિંહ પડી જતા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી સિંહને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો

નવાબંદરની સીમમાં ખુલ્લા કુવામાં એક સિંહ પડી જતા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી સિંહને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૩ 
ઉના તાલુકાના નવાબંદર ગામની પીલુડી સીમ વિસ્તારમાં આવેલ ખુલ્લા મેદાનમાં એક અવાવરૂ ઊંડા કૂવામાં એક પુખ્ત વયનો નર સિંહ અકસ્માતે કુવામાં પડી ગયો હતો. અવાજ કરતા લોકોએ કુવામાં જોતા કુવાની અંદર ૧૦ થી ૧૫ ફુટ પાણી ઉપર કોઈ ટેકાની મદદથી મોઢું બહાર કાઢી જીવ બચાવવા વલખા મારી રહેલ હતો. લોકોએ ગીર પૂર્વ વન વિભાગની જસાધાર ગીર મુકામે આવેલ રેન્જ ફોરેસ્ટ કચેરીએ જાણ કરતા આર.એફ.ઓ. કુલદીપભાઈ ચૌહાણએ ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણિયા, હરદીપભાઈ અને રેસ્ક્યુ ટીમ પાંજરા અને સાધનો સાથે પહોંચી ગઈ હતી અને નિરીક્ષણ કરી ટીમે જીવના જોખમે દોરડાના ફાંસલા કુવામાં નાખતા પરંતુ સિંહ ગુસ્સામાં હોય દોરડા દાંતથી કાપી નાખતો હતો. આ દ્રશ્ય જોવા લોકોના ટોળેટોળા સ્થળ ઉપર આવી ગયા હતા તેથી નવાબંદર મરીન પોલીસને બોલાવી લીધી હતી. સિંહ ગમે ત્યારે બહાર નીકળી લોકો ઉપર હુમલો કરે તેવી શક્યતા હતી. એક કલાકની જહેમત પછી સિંહના પગમાં દોરડા ફસાઈ જતા તુરંત ઉપર ખેંચી અને પાંજરે પૂર્યો હતો અને તેમને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો. સિંહનો જીવ બચાવ્યો હતો. નવાબંદર વિસ્તારમાં એક સિંહનું ગ્રુપ કાયમી રહેઠાણ બનાવી લીધું છે. આ વિસ્તારમાં ખુલ્લા કુવા પેક કરવામાં આવે અને સિંહનો જીવ બચાવી લે તેવી સિંહ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.