પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.3નો વધારો ઝીંકાયો
સીએનજીના ભાવમાં પણ રૂા.2નો વધારો
(એજન્સી) નવી દિલ્હી તા.15
ઘણા સમયથી જેની દહેશત હતી તે હવે સાચી પડી છે. ગત મધ્યરાત્રીથી સરકારે પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો ઝીંકયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા ભાવ આજ 15 મેથી લાગુ થઈ ગયા છે. લગભગ બે વર્ષ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે.
CNGના ભાવ પ્રતિ કિલો રૂ.2નો વધારો થયો છે. દિલ્હીમાં CNGના નવા દર પ્રતિ કિલો રૂ.79.09 છે. રાજધાની દિલ્હી ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં પણ CNGના ભાવમાં વધારો થયો છે. કંપનીઓએ આજે સવારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો કર્યો છે.
ડીઝલના ભાવ વધારાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રસોડા પર પડે છે. તેને આ રીતે સમજો: માલભાડું વધશે: ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળો અને રાશન મોંઘા થઈ જશે. ખેતીનો ખર્ચ: ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેનાથી અનાજનો ખર્ચ વધશે. બસ-ઓટોનું ભાડું: સાર્વજનિક પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.


