રી-નીટ 21 જુને લેવાશે : આવતા વર્ષથી NEET ઓનલાઈન થશે

સરકારે સ્વીકાર્યું, “3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું - દરેક બાબતો માટે એનટીએ જ જવાબદાર રહેશે”

રી-નીટ 21 જુને લેવાશે : આવતા વર્ષથી NEET ઓનલાઈન થશે

(એજન્સી)      નવી દિલ્હી તા.15
આગામી સત્રથી NEET-UG પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે આ જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું.
તેમણે કહ્યું, "અમે ઇચ્છતા ન હતા કે ખોટા ઉમેદવારની પસંદગી થાય. તેથી, અમે ખૂબ જ જવાબદારી સાથે પરીક્ષા રદ કરવાનો ર્નિણય લીધો છે. રદ્દ થયેલી પરીક્ષા હવે રવિવાર, તા.21 જૂનના રોજ લેવામાં આવશે."
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આજે સવારે NEET-UGની નવી તારીખની જાહેરાત કરી હતી. હવે આ પરીક્ષા રવિવાર 21 જૂનના રોજ યોજાશે.
શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પરીક્ષામાં કેટલાક સુધારા લાવવામાં આવ્યા છે. આગળની જે પરીક્ષા થવાની છે. જે પરીક્ષા થશે, તેની ફી પાછી આપવામાં આવશે. આગળની પરીક્ષાની ફી શૂન્ય રહેશે. જેથી વિદ્યાર્થીઓ પર બોજ ન આવે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને પોતાની પસંદનું શહેર પસંદ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. પરીક્ષાના સમયમાં 15 મિનિટનો વધુ વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી શરૂ થશે, સાંજે 5.15 વાગ્યા સુધી ચાલશે. એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં મળી જશે.
આવતા વર્ષથી પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. પરીક્ષા રદ કરવાની જવાબદારી NTA એ જ લીધી છે. 7 મેના રોજ તેને પેપર લીક વિશે જાણ થઈ કે ગડબડ થઈ છે. તેણે સરકારને જાણ કરી. પછી 12 મેના રોજ ર્નિણય લેવામાં આવ્યો. દરેક બાબતો માટે NTA જ જવાબદાર રહેશે.
આ પહેલા NEET પેપર લીક પ્રકરણમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.NEET-UG 2026 પરીક્ષા રદ થયાના બે દિવસ પછી યોજાયેલી બેઠકમાં ફરીથી પરીક્ષા યોજવા અંગે ચર્ચા થઈ હતી. તા.3 મેના રોજ દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાઈ હતી. પરીક્ષા માટે 5,400થી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. 22.79 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.