પદ્મશ્રી  હાજી કાસમ મીર હાજીભાઈ રમકડુંનું જૂનાગઢ ખાતે શાનદાર સ્વાગત કરાયું

પદ્મશ્રી  હાજી કાસમ મીર હાજીભાઈ રમકડુંનું જૂનાગઢ ખાતે શાનદાર સ્વાગત કરાયું

જૂનાગઢ તા. 28
તાજેતરમાં દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા જૂનાગઢના મીર હાજી કાસમ ઉર્ફે હાજીભાઈ રમકડુંનું કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરતા જૂનાગઢ શહેર અને સમગ્ર મુસ્લિમ સમુદાય માટે ખૂબ ગૌરવની બાબત હોય રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સમારોહ પૂર્ણ કરી પદ્મશ્રી એવોર્ડ સાથે જૂનાગઢ પધારેલા હાજીભાઈ રમકડુંનું ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝખાન પઠાણની આગેવાનીમાં શહેરના ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી ગાંધી ચોકથી ઢાલ રોડ હાજીભાઈના ઘર સુધી પદ્મશ્રી હાજીભાઈ રમકડુંને અશ્વ ઉપર બેસાડી વાજતે ગાજતે પુષ્પોની વર્ષા સાથે શહેરીજનોએ આ પદ્મશ્રી સન્માનિત વ્યક્તિત્વને વધાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસે પણ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સરસ રીતે જાળવી હતી. જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયા દ્વારા પણ હાજીભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમીનભાઇ નોતીયાર, અમીનભાઈ સીડા, શબ્બીરભાઈ અમરેલીયા, મનોજભાઈ જોશી, એજાજભાઈ મકરાણી, સલીમભાઈ ગુજરાતી, રજાક હાલા, અમીનભાઈ શેખ સહિત શહેરના આગેવાનો તેમજ મુસ્લિમ એકતા મંચની ટીમ ઉપસ્થિત રહી હતી.