પશ્ચિમ એશિયા સંઘર્ષના કારણે સપ્લાય ચેન્જને ગંભીર અસર : ખાદ્ય ચીજવસ્તુઓનાં ભાવોમાં તિવ્ર વધારો

પશ્ચિમ એશિયા સંઘર્ષના કારણે સપ્લાય ચેન્જને ગંભીર અસર : ખાદ્ય ચીજવસ્તુઓનાં ભાવોમાં તિવ્ર વધારો

(એજન્સી)   નવી દિલ્હી, તા. ૨૭
દેશમાં મોંઘવારીનું દબાણ માત્ર ખાંડ સુધી સીમિત નથી. ઓગસ્ટમાં અનેક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકના ઓગસ્ટના માસિક રિપોર્ટ અનુસાર, ડુંગળીના ભાવમાં સૌથી વધુ ૧૧ ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય ચોખા, ઘઉં, કઠોળ અને ખાદ્ય તેલોના ભાવ પણ વધ્યાં છે.
આરબીઆઈએ ૧ થી ૨૧ ઓગસ્ટ દરમ્યાન સરેરાશ કિંમતોની સરખામણી જુલાઈના સમાન સમયગાળા સાથે કરી છે. તેનાં જણાવ્યાં મુજબ, હવામાનની અસર અને પશ્ચિમ એશિયા સંઘર્ષના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેનાથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર વ્યાપક દબાણ બનેલું છે. ડુંગળી અને ખાંડના ભાવ સતત વધી રહ્યાં છે. ખાંડના ભાવ રોજ બદલાઈ રહ્યાં છે. દેશનાં કેટલાક ભાગોમાં ખાંડના ભાવ ૭૦ રૂપિયાથી વધુ પહોંચી ગયા છે.
આરબીઆઈના આંકડા અનુસાર, શાકભાજીમાં ડુંગળીનાં ભાવમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. તો બીજી તરફ, ઓગસ્ટમાં ચોખાની કિંમત ૨.૧ ટકા વધી છે. આવી જ રીતે અનાજ, કઠોળનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ઘઉંનાં ભાવમાં ૦.૬ ટકાનો વધારો થયો છે. કઠોળમાં ચણા દાળ એક ટકા, તુવેર દાળ ૦.૫ ટકા અને મગ દાળ ૦.૪ ટકા મોંઘી થઈ છે. ખાદ્ય તેલોના ભાવ પણ વધ્યાં છે.