ફિલીપાઈન્સમાં 7.8ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ : 8ના મોત, 200 ઘાયલ, સેંકડો ઈમારતો ધરાશાઈ
(એજન્સી) મનિલા,તા.8
ફિલિપાઇન્સના દક્ષિણી ટાપુ મિંડાનાઓના દરિયાકાંઠા વિસ્તારમાં આજે સવારે આવેલાં એક અત્યંત શક્તિશાળી અને પ્રચંડ ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાં હોવાનાં સત્તાવાર અહેવાલ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.
આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ એજન્સીઓ વચ્ચે ભૂકંપની તીવ્રતાને લઈને થોડો મતભેદ જોવા મળ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અને ફિલિપાઇન્સના સ્થાનિક સંસ્થાન 'ફિવોલ્ક્સ' (Phivolcs)ના જણાવ્યાં અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જ્યારે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) એ શરૂઆતમાં તેને 8.2 નોંધીને બાદમાં સુધારીને 8.1 જણાવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં ભયાનક વીડિયોમાં જોતજોતામાં અનેક બહુમાળી સરકારી અને ખાનગી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈને કાટમાળમાં ફેરવાતી જોવા મળી રહી છે. જનરલ સેન્ટોસ સિટી અને સરાંગાની પ્રાંતમાં વ્યાપક નુકસાન થયું છે.


