ભારતના કાયદા મંત્રાલય દ્વારા પરંપરાગત સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સતત અવરોધ ઉભા કરાય રહ્યા છે : ઈ-મેઈલથી સમન્સ પાઠવવા અમેરીકાની અદાલતમાં માંગણી
અમેરીકામાં અદાણી જુથ સામે નોંધાયેલા લાંચ-છેતરપીંડીના કેસમાં નવો વળાંક
ન્યુયોર્ક/નવી દિલ્હી,તા.૨૪:
અદાણી જૂથ સામેના કથિત લાંચ અને છેતરપિડીના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. અમેરિકાની માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન‘ (એસઈસી)એ ન્યુયોર્કની ફેડરલ કોર્ટ પાસે ગૌતમભાઈ અદાણી અને સાગર અદાણીને સીધા ઈમેલ દ્વારા સમન્સ પાઠવવાની મંજૂરી માંગી છે. ધ વાયર‘ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, ભારત સરકારના કાયદા મંત્રાલય
દ્વારા પરંપરાગત રીતે સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સતત અવરોધો ઉભા કરવામાં આવ્યા હોવાથી એસઈસી એ આ વૈકલ્પિક રસ્તો અપનાવ્યો છે.
અહેવાલો અનુસાર,
છેલ્લા ૧૪ મહિનાથી ભારત સરકાર દ્વારા સમન્સ બજાવવાની પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી હતી. એસઈસી એ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે તેમણે ‘હેગ કન્વેન્શન‘ (આંતરરાષ્ટ્રીય સંધિ) હેઠળ ભારતીય કાયદા મંત્રાલયને બે વખત વિનંતી કરી હતી, પરંતુ બંને વખત તે ફગાવી દેવામાં આવી હતી.
પ્રથમ વિનંતી ફેબ્રુઆરી ૨૦૨૫ માં કરવામાં આવી હતી, જેને એપ્રિલ ૨૦૨૫ માં કાયદા મંત્રાલયે એવું કહીને પરત કરી હતી કે દસ્તાવેજો પર સહી અને સિક્કા નથી. એસઈસી એ સ્પષ્ટતા કરી હતી કે હેગ કન્વેન્શન હેઠળ આવા સિક્કાની જરૂર હોતી નથી. ત્યારબાદ મે ૨૦૨૫ માં ફરીથી વિનંતી મોકલવામાં આવી, જેને ડિસેમ્બર ૨૦૨૫ માં ફરીથી નકારી કાઢવામાં આવી. આ વખતે ભારતીય સત્તાવાળાઓએ એસઈસી ની સમન્સ મોકલવાની સત્તા પર જ સવાલો ઉઠાવ્યા હતા. આ સંજોગોમાં, હવે રાજદ્વારી ચેનલો મારફતે સમન્સ બજાવવું શક્ય ન જણાતા, એસઈસી એ કોર્ટને વિનંતી કરી છે કે તેમને સીધા ઈમેલ દ્વારા અને અદાણીના અમેરિકન વકીલો મારફતે સમન્સ બજાવવાની છૂટ આપવામાં આવે.


