ભારતની વિદેશનીતી અંગે રાહુલ ગાંધીએ વડાપ્રધાનની મિમિક્રી કરી, મજાક ઉડાવી : વિડીયો વાયરલ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૪
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે, ‘સરકાર લોકોને પોતાની વાત રજૂ કરતા રોકી રહી છે. સરકાર વ્યવસ્થા લાગુ કરવા માગે છે, જ્યારે કોંગ્રેસનું કામ ભારતને પોતાની વાત કહેવાની તક આપવાનું છે.’ તેમણે આ વાત દિલ્હીમાં કોંગ્રેસના ‘રચનાત્મક કોંગ્રેસ પ્રકોષ્ઠ’ અધિવેશનમાં કહી. રાહુલે કહ્યું કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરવા માંગતા હતા. વિદ્યાર્થીઓ પરેશાન હતા અને પોતાની પીડા વ્યક્ત કરવા માંગતા હતા, પરંતુ સરકારે તેમને તેમ કરતા રોક્યા. સરકારને સમજાઈ ગયું છે કે લોકો હવે ચૂપ નહીં રહે. આ દરમિયાન તેમણે મોદી સરકારની વિદેશ નીતિની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે પીએમની રાજનીતિ વિદેશી નેતાઓને ભેટવાથી વિશેષ કંઈ નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધતા કહ્યું કે પીએમની કૂટનીતિ વિદેશી નેતાઓને ભેટવાથી કંઈક વધારે જ જોડાયેલી છે. મને નથી ખબર કે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો. તેમને લાગે છે કે ભેટવું એ જ વિદેશ નીતિ છે. એમ કહેતા રાહુલ ગાંધીએ મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ભેટ્યા. ત્યારે દીક્ષિતે મજાક કરતા કહ્યું- તમે મને મેલોની સમજીને તો નથી પકડ્યો ને?" રાહુલ ગાંધીએ જવાબ આપ્યો- હું હજી ત્યાં સુધી નથી પહોંચ્યો. તેમની આ વાતથી લોકો હસી પડ્યા. રચનાત્મક કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ૧૨ ઓગસ્ટના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ભવનમાં યોજાયું હતું. તેમાં સામાજિક સંગઠનો, કાર્યકરો, શિક્ષણવિદો, શૈક્ષણિક જગત, કલાકારો, સમુદાયના પ્રતિનિધિઓ અને નાગરિક સમાજ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો.


