ભુરાયા થયેલા ટ્રમ્પે ટેરિફ મામલે ભારતને પણ ધમકી આપી
(એજન્સી) વોશીંગ્ટન,તા.૦૫:
વેનેઝુએલા પર ‘કબ્જા‘નો દાવો કર્યા બાદ અમેરિકાના પ્રમુખ હવે દક્ષિણ અમેરિકાના વધુ દેશોને ધમકી આપી રહ્યા છે તે વચ્ચે ફરી એક વખત તોપનું નાળચુ ભારત ભણી ફેરવતા રશિયન ક્રુડતેલ મુદે ભારતને નવી ધમકી આપી છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વાટાઘાટ ચાલુ છે અને તેમાં અમેરિકી કૃષિ, ડેરી પ્રોડકટસને માટે ભારતના દરવાજા ખુલ્લા નહી કરવા મોદી સરકાર મકકમ છે તેમાં ટ્રમ્પે ભારત દ્વારા જે રશિયન ક્રુડતેલ ખરીદાય છે તે જો નહી અટકાવાય તો વધુ ઉંચા ટેરીફ લાદવાની ધમકી આપી છે. અમેરિકાએ અગાઉ રેસીપ્રોકલ- ભારતના અમેરિકી ઉત્પાદનોની આયાત પર જે ટેરિફ છે તેની સામે ૨૫ ટકા ટેરીફ તથા રશિયન ક્રુડતેલ ખરીદવા પર વધુ ૨૫ ટકા સેસ કુલ ૫૦ ટકા ટેરીફ લાદયા છે.
જો કે ભારતે તેમાં અમેરિકી દબાણ હેઠળ આવવાનો ઈન્કાર કરવા સાથે અમેરિકા પાસેથી એલએનજી સહિતની પેટ્રો આયાત વધારી ટ્રમ્પને શાંત કરવા પ્રયાસ કર્યા જ છે તેમ છતાં પણ ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે ફરી આરોપ લગાવ્યો હતો કે રશિયા ક્રુડતેલની કમાણીની યુક્રેન સામે લાંબુ યુદ્ધ લડવામાં સફળ થયુ છે અને જો ભારત હવે રશિયન ક્રુડતેલ મુદે અમેરિકાને મદદ નહી કરે તો અમો ભારત પર ટેરીફ વધારી શકીએ છીએ.
ભારત અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ રોજ બદલાતું રહે છે. ક્યારેક તેઓ ભારત સાથે ચાલી રહેલા વેપાર કરાર વાટાઘાટોના સકારાત્મક ઉકેલ અને ટૂંક સમયમાં મોટી જાહેરાતનો દાવો કરે છે, તો ક્યારેક તેઓ અચાનક ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં ૫૦% વધારો કરવાની ધમકી આપે છે. હવે, ટ્રમ્પે ફરી એકવાર રશિયન તેલનો મુદ્દો ઉઠાવ્યો છે અને ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે.


