ઈરાને કહયું - કામચલાઉ યુધ્ધ વિરામ નથી જાેઈતો, યુધ્ધનો કાયમી અંત લાવો

ઈરાને કહયું - કામચલાઉ યુધ્ધ વિરામ નથી જાેઈતો, યુધ્ધનો કાયમી અંત લાવો

(એજન્સી) તહેરાન,તા.૦૭
 છેલ્લા ૩૮ દિવસથી ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાને પોતાને મધ્યસ્થ તરીકે રજૂ કરીને અસ્થાયી યુદ્ધવિરામનો પ્લાન બનાવ્યો હતો, પણ એના મિત્ર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેને ઝટકો આપ્યો છે. ઈરાનયુદ્ધ રોકવા માટે પાકિસ્તાન, ઇજિપ્ત અને ટર્કીએ રજૂ કરેલા ૪૫ દિવસના ટેમ્પરરી યુદ્ધવિરામના પ્લાન પર હસ્તાક્ષર કરવાનો ડોનલ્ડ ટ્રમ્પે ઇનકાર કરી દીધો છે.
ઈરાને પણ આ પ્રસ્તાવને ઠુકરાવી દેતાં પાકિસ્તાનને બંને દેશો તરફથી ઝટકો મળ્યો છે. જાેકે ઈરાને પાકિસ્તાનના માધ્યમથી જ પોતાની પ્રપોઝલ મોકલી છે. ઈરાને પ્રસ્તાવિત કામચલાઉ યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે અને એને બદલે અમેરિકા અને ઇઝરાયલ પાસેથી લશ્કરી કાર્યવાહી કાયમી ધોરણે બંધ કરવાની પ્રતિબદ્ધતાની માગણી કરી છે. તેહરાને જણાવ્યું હતું કે યુદ્ધનો સ્થાયી અંત હોવો જાેઈએ અને સાથે ઈરાનનાં હિતોનું પણ ધ્યાન રાખવું જાેઈએ. એવું જાણવા મળ્યું છે કે ઈરાને ૧૦ પોઇન્ટમાં ડિમાન્ડ મૂકી છે જેમાં હોર્મુઝ સ્ટ્રેસના સેફ પેસેજ માટે ચોક્કસ પ્રોટોકોલ બનાવવાની, ઈરાન પર મૂકેલી સેકશન હટાવવાની અને ઈરાનના રીકન્સ્ટ્રક્શનને લઈને કુલ ૧૫ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
ઈરાની અધિકારીઓએ વચગાળાની વ્યવસ્થા સામે મજબૂત પ્રતિકારનો સંકેત આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ જણાવ્યું હતું કે ‘તેહરાન કામચલાઉ વિરામને બદલે સંઘર્ષનો સંપૂર્ણ અંત ઇચ્છે છે. અમે યુદ્ધનો અંત લાવવા અને એના પુનરાવર્તનને રોકવા માટે હાકલ કરી રહ્યા છીએ.‘