બ્રિટનમાં મંદિરની જગ્યા મુસ્લીમ સંસ્થાને વેંચાણ કરવા અંગે વિવાદ

બ્રિટનમાં મંદિરની જગ્યા મુસ્લીમ સંસ્થાને વેંચાણ કરવા અંગે વિવાદ

(એજન્સી)            લંડન તા.14
લંડનથી 120 કિમી દૂર પીટરબરોમાં 40 વર્ષ જૂના મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના વેચાણ પર વિવાદ થયો છે. પીટરબરો સિટી કાઉન્સિલે ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને હરાજી પછી એક મુસ્લિમ સંસ્થા, યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન, ને વેચવાનો ર્નિણય કર્યો છે. આ જ પરિસરમાં ભારત હિંદુ સમાજનું મંદિર ચાલે છે, જે શહેર અને આસપાસ રહેતા હજારો હિંદુઓનું મુખ્ય પૂજા અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ર્નિણયથી નારાજ ભારત હિંદુ સમાજે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વેચાણ પ્રક્રિયાને પડકારી છે. ભારત હિંદુ સમાજ સંગઠનનો આરોપ છે કે કાઉન્સિલે મંદિરની લગભગ 40 વર્ષ જૂની ધામિર્ક અને સામુદાયિક ભૂમિકાને અવગણી છે. હરાજીના મૂલ્યાંકનમાં પણ ગંભીર ખામીઓ રહી. ફેબ્રુઆરી 2026માં હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપતા કાઉન્સિલને વેચાણ પૂર્ણ કરવા જેવા કોઈપણ પગલાં ભરવાથી રોકી દીધી હતી. હવે ન્યાયિક સમીક્ષામાં એ તપાસ થઈ રહી છે કે ર્નિણય લેવાની પ્રક્રિયા કાયદા મુજબ હતી કે નહીં ? મંદિર પ્રબંધને સ્પષ્ટ કર્યું છે કે તેનો વિરોધ મુસ્લિમ સંસ્થાથી નહીં, પરંતુ કાઉન્સિલના ર્નિણય અને પ્રક્રિયાથી છે. હવે કોર્ટ તપાસ કરશે કે સંપત્તિ વેચવાનો ર્નિણય કાયદા અને સમાનતાના નિયમો મુજબ લેવામાં આવ્યો હતો કે નહીં.