ભાવનગર ઝેરી દારૂકાંડ: મંત્રી જીતુ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા
અસરગ્રસ્તોને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
ભાવનગર, તા. ૨૧:
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટના બાદ સરકાર દ્વારા અસરગ્રસ્તોની સારવાર અને આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ હોસ્પિટલમાં દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી. આ સાથે હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર, દવાઓ અને ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.
મંત્રીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરીને તેમની વર્તમાન આરોગ્ય સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તબીબી અધિકારીઓ પાસેથી દર્દીઓને આપવામાં આવી રહેલી સારવાર, દવાઓ તેમજ અન્ય જરૂરી તબીબી સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રી વાઘાણીએ સારવારની સમગ્ર વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. અસરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે તથા સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે તેમણે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રી વાઘાણીએ હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્તોની સારવારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ દર્દીઓને જરૂરી તમામ આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈ.જી. આર.બી. અસારી, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડૉ. નિતેષ પાંડેય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં બનેલી આ ગંભીર ઘટનાને પગલે અસરગ્રસ્તોની સારવાર પર તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ્ય સારવાર અને જરૂરી તબીબી સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય તંત્રને સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે.


