મુખ્યમંત્રીની માર્મિક ટકોર મનપાનાં સત્તાધિશોને સમજાય તો સારૂ : અમે આવીએ છીએ ત્યારે જ સફાઈ થાય છે
જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા ઉપર હજુ વધુ ભાર દેવાની જરૂર છે : મુખ્યમંત્રી
જૂનાગઢ તા. ર૯
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ શહેરની પરિસ્થિતિથી વાકેફ છે. લોકોની મુશ્કેલી તેઓ સારી રીતે સમજે છે. અને જયારે પણ જૂનાગઢ આવવાનું થાય છે ત્યારે કોર્પોરેશનનાં તંત્ર વાહકોને માર્મીક ટકોર કરવાનું ચુકતા નથી. ગઈકાલે પણ ખાસ સ્વચ્છતા બાબતે ટકોર કરી હતી કે અમે આવીએ છીએ ત્યારે જ સફાઈ કરવામાં આવે છે કે શું ? તેવા આ સવાલની પાછળ ઘણુ બધુ કહેવાઈ ગયું હોય તેમ લાગે છે.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ અતિથિ બન્યા હતાં. શહેરનાં નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તેઓનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ તેમજ ખાતમુર્હુતનો કાર્યક્રમ પણ તેઓશ્રીનાં હસ્તે યોજવામાં આવ્યો હતો. નરસિંહ મહેતા સરોવર ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને અનાવરણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન જૂનાગઢ શહેરનાં જે જે રૂટ ઉપર મુખ્યમંત્રીશ્રી પસાર થવાનાં હતાં અને જે કાર્યક્રમ ગોઠવાયો હતો તે રૂટની સફાઈ નિહાળી મુખ્યમંત્રી અચંબીત પણ થયા હતાં. અને તેઓનાં ઉદબોધનમાં ઉપસ્થિત લોકોને તેઓએ સવાલ પણ કર્યો હતો કે અમે જયારે આવીએ છીએ ત્યારે જ જૂનાગઢ શહેરની સફાઈ થાય છે. અને આ સવાલનો જવાબ આપવા માટે લોકોને તેમજ પદાધિકારીઓને પણ કહયું હતું કે સાચુ બોલજાે આમ મુખ્યમંત્રીનો આ વેધક સવાલ ઘણુ બધુ કહી જાય છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ શહેરની જનતા રસ્તા સહીતની અનેક મુશ્કેલીઓનો સામનો ઘણા લાંબા સમયથી કરી રહી છે. આ ઉપરાંત સફાઈ બાબતે પણ સાવ બેદરકાર તંત્ર રહેલું હોય અને જેને લઈને આમ જનતાએ અનેક ફરીયાદો વ્યકત કરી છે. જૂનાગઢનાં લોકોની કેવી પરિસ્થિતિ છે અને લોકો કેટલી હદે મુશ્કેલી ભોગવી રહયા છે. તેનાથી મુખ્યમંત્રી પુરેપુરા વાકેફ છે અને એટલા માટે જ જાહેરમાં પણ તેઓ સ્વચ્છતા બાબતની ટકોર કરવાનું ચુકયા નથી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા ઉપર વિશેષ ભાર પણ મુકયો છે. જૂનાગઢ શહેર પ્રવાસન ધામ હોય ધાર્મિક નગરી હોય અને પ્રવાસીઓ સતત આ શહેરની મુલાકાતે આવી રહયા છે ત્યારે જૂનાગઢ શહેરની સફાઈમાં કોઈ કચાસ ન રહેવી જાેઈએ તેવી માર્મીક ટકોર કરી છે ત્યારે જૂનાગઢ મનપાનાં સત્તાધિશો આમાં કેટલું સમજયા છે અને કેવી કામગીરી કરે છે તે જાેવાનું રહયું.



