માંગરોળ - રાધનપુર રૂટમાં નવી બસ ફાળવાઈ
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧
માંગરોળ એસ.ટી.ને તાજેતરમાં બે નવી બસો ફાળવવામાં આવી છે. જે પૈકી એકને અગાઉ ચોરવાડ - રાજકોટ જ્યારે બીજી બસને અત્રેથી સવારે ૧૧:૧૫ કલાકે ઉપડતી માંગરોળ -રાધનપુર રૂટમાં મુકવામાં આવી છે. આજે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ આ નવી બસને લીલીઝંડી આપી હતી. આ તકે ન.પા. પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ડેપો મેનેજર આનંદભાઈ પરબીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સારવાર અર્થે અમદાવાદ જતા દર્દીઓ તથા સગાંસંબંધીઓને આરામદાયક સુવિધા મળી રહે તેવી લોકોમાંથી ઉઠેલી માંગને ધ્યાને લઈ આગામી સમયમાં માધવપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ થઈ ગાંધીનગર સુધી નવી સ્લીપર બસ સેવા શરૂ કરવાનું વિચારણા હેઠળ હોવાનું ધારાસભ્યએ જણાવ્યુ હતું.


