માનવ ઉત્કર્ષ મહોત્સવનાં અંતિમ અવસરે અપૂર્વમુનિ સ્વામીએ અધ્યાત્મ આંદોલન પ્રસરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
"પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?" આ બીજ વિચાર સાથે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ માનવ ઉત્કર્ષ મહોત્સવના તૃતીય અને અંતિમ દિવસે સાત હજાર ઉપરાંત માનવ મેદનીને અધ્યાત્મપથની સાધના, પ્રભુ સાક્ષાત્કારની સાધનાને તેમની રસાળ શૈલીમાં સરળ પથ બનાવી સમજાવી હતી. નરસિંહ મહેતા સરોવરના કાંઠે, હવેલી વાડીમાં મહોત્સવના અંતિમ તબક્કે વિશાળ માનવ મેદનીને સંબોધતા "પરમાત્મા છે તો પ્રશ્ન કેમ?"ના જટિલ સવાલોના સરળતમ જવાબો અને ઉકેલો આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, God gives tuffest fight to his strongest Soilder. અર્થાત ભગવાન તેમના સૌથી મજબૂત સૈનિકને જ લોઢા જેવી લડતનો અવસર આપે છે. જેમ રણયુદ્ધમાં ભગવાન કૃષ્ણએ સૌથી કઠિનતમ લડતનો અવસર અડગ અર્જુનને આપ્યો. ભગવાનનું કર્તવ્ય, અધ્યાત્મપથ આપણને સરળતાથી સમજાય તેવો નથી. માનવીને સાધનથી સમજાય તે વિજ્ઞાન છે અને સાધનાથી સમજાય તે પરમાત્મા છે. પરમાત્માને ફરિયાદ ન કરો કે મારી પાસે મોટા પ્રશ્નો છે પરંતુ પ્રશ્નોને કહો કે મારી પાસે મોટામાં મોટા પરમાત્મા છે પછી મારે શું ચિંતા! ભગવાનને માનનારા ઘણા છે પણ ભગવાનનું માનનારા ઓછા છે. જો પ્રહલાદ જેવા ભક્ત થઈએ તો ભગવાન રક્ષા કરે જ પરંતુ આપણી દ્રષ્ટિ તો ભગવાન પાસે પણ કંઈક લૌકિક ભૌતિક પદાર્થ માગવાની જ છે. લૌકિક સુખ માંગે તે ભક્ત નહી અને તે જ આપે તે ભગવાન નહી." સ્વામીજીએ નાસ્તિકોને આડે હાથે લેતા કહ્યું હતું કે, વિખ્યાત વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને કહ્યું છે : 'ભગવાનમાં ન માનવું તે માનવનું રાક્ષસીપણું છે.' જો શ્રદ્ધા હોય તો પાણી, પથ્થર કે પ્રતિમામાં પણ ભગવાન દેખાય. ભગવાનને જોવા માટે, પામવા માટે, સાક્ષાત્કાર માટે સાચા સંતની અનિવાર્યતા છે. શબરીની જેમ ગુરૂના વચનમાં શ્રદ્ધા રાખી સેવા કરીએ તો પરમાત્મા મળે જ. જેમ ગૂગલ આ લોકમાં સાચા સરનામે પહોંચાડે છે પરંતુ સાચા ગુરૂ પરમાત્માના ધામ સુધી પહોંચાડે છે. જેમ બાપનો પરિચય માતા કરાવે છે તેમ પરમાત્માનો સાચો પરિચય સાચા સંત કરાવે છે. આત્માની પરમાત્મા સુધીની આમ યાત્રા કરવી તેનું નામ : "માનવ ઉત્કર્ષ". અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લિખિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથશ્લોક મુખપાઠ કરનારા બાળ પંડિતોને મંચ ઉપર બોલાવીને વધાવ્યા હતા નવાજ્યા હતા. સ્વામીજીએ અંતમાં ખાસ કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્ મીડિયાના પત્રકાર ભાઈઓ તથા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર ભાઈઓનો તેમજ વ્યક્તિગત પ્રચાર પ્રસાર કરનારા તમામનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અવાર નવાર સત્સંગનો લાભ લેતા રહેવાનો અનુરોધ કર્યો હતો.


