માળિયા હાટીના અને અમરાપુર ખાતે રક્તદાન શિબિર યોજાઈ

બે સ્થળોએ યોજાયેલી શિબિરમાં કુલ ૮૩ બોટલ રક્ત એકત્રિત થયું

માળિયા હાટીના અને અમરાપુર ખાતે રક્તદાન શિબિર યોજાઈ

જૂનાગઢ તા.૧૬
‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, માળિયા હાટીના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અમરાપુર ખાતે આજે રક્તદાન શિબિર યોજાઈ હતી. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે હેતુથી યોજાયેલી શિબિરમાં સ્થાનિક નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બંને સ્થળોએ કુલ ૮૩ બોટલ રક્ત એકત્રિત થયું હતું. રક્તદાન માટે આવેલા દાતાઓની આરોગ્ય તપાસણી કરી સલામત રીતે રક્તસંગ્રહની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય કચેરી, માળિયા હાટીનાના ડૉ. ડાભી તથા તેમની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અમરાપુરની આરોગ્ય ટીમે શિબિરના આયોજન અને વ્યવસ્થામાં કામગીરી કરી હતી.
રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને બિરદાવ્યા હતા. એક યુનિટ રક્ત જરૂરિયાતમંદ દર્દીના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે ત્યારે નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીતુભાઈ સિસોદિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનાભાઈ જોટવા, કારોબારી ચેરમેન યશભાઈ ભાડજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.