વિવિધ સમાજો અને જ્ઞાતિઓના 152 લોકોના રક્તદાન સાથે.. જૂનાગઢમાં વરિષ્ઠ સંત મુક્તાનંદજી બાપુના જન્મદિવસે ભવ્ય રક્તદાન કેમ્પ - ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો

પદ્મશ્રી હાજી રમકડું સહિતના કલાકારોએ ભજન સંધ્યામાં ભજનોની રમઝટ બોલાવી

વિવિધ સમાજો અને જ્ઞાતિઓના 152 લોકોના રક્તદાન સાથે.. જૂનાગઢમાં વરિષ્ઠ સંત મુક્તાનંદજી બાપુના જન્મદિવસે ભવ્ય રક્તદાન કેમ્પ - ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. 4
અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક મુક્તાનંદજી બાપુના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે બે તબક્કામાં રક્તદાન શિબિર અને સાંજના સમયે ભજન સંધ્યાના આયોજન સાથે યોજાયેલ સેવા દિવસમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉમટી પડી રક્તદાન કર્યુ હતું અને ભજન સંધ્યાનો પણ લાભ લઈ આ સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.
ગત તા.2 જુનને મંગળવારના રોજ જૂનાગઢના વંથલી રોડ સ્થિત પ્રેમાનંદ સ્કૂલ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન બે તબક્કામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સાંજ સુધીમાં વિવિધ સમાજો અને જ્ઞાતિઓના 152 વ્યક્તિઓએ રક્તદાન કર્યુ હતું. રક્તદાન કેમ્પની પૂર્ણાહુતિ બાદ એકત્રીત થયેલ રક્ત પૂજ્ય મુક્તાનંદજી બાપુના હસ્તે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના પ્રતિનિધિ ડો.ભાવિનભાઈ તથા તેમની ટીમને અર્પણ કરાયું હતું. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક તથા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી અને તેમન ટીમ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવા બદલ પૂજ્ય મુક્તાનંદજી બાપુનું સન્માન કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા જૂનાગઢના અનેક મહાનુભાવો અને સેવાભાવિ સંસ્થાઓએ સહકાર આપ્યો હતો.
કેમ્પ પૂર્ણ થયા પછી રાત્રી ભોજન બાદ 8:30 કલાકે બિલનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા પદ્મશ્રી હાજીભાઈ કાસમ (હાજી રમકડું), પદ્મશ્રી કવિ દાદબાપુ, પદ્મશ્રી દિવાળીબેન ભીલ અને સ્વ.પ્રાણલાલ વ્યાસનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી પુરસ્કાર મેળવ્યા બાદ હાજી રમકડુંએ પ્રથમ વખત પોતાની કલા પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ ભજન સંધ્યામાં લોક સાહિત્યકાર જીતુદાનભાઈ દાદ, ભજનિક દાસબાપુ અને અન્ય કલાકારવૃંદે ભજનોની રમઝટ બોલાવી ભજન સંધ્યાને યાદગાર બનાવી દીધી હતી.
પ્રેમાનંદ સ્કૂલ તથા બિલનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમોમાં શેરનાથ બાપુ, સદાનંદ બાપુ, સુખરામદાસ બાપુ, ગણેશાનંદ બાપુ સહિતના વરિષ્ઠ સંતો-મહંતો તેમજ રેન્જ આઈ.જી. ચુડાસમા, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી કુલપતિ પ્રો.ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ડે.મેયર આકાશ કટારા, સ્ટે. ચેરમેન પલ્લવીબેન ઠાકર, યોગીભાઈ પઢીયાર તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેમ પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર ડો. માતંગ પુરોહિતની એક યાદીમાં જણાવાયું છે.