વાવેલા વૃક્ષોનું જતન કરવું એજ વિશ્વ પર્યાવરણ દિવસની સાચી ઉજવણી ગણાય
આવતીકાલ તા. 5 મી જુને વૃક્ષારોપણનાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાશે : આપણે વૃક્ષો વાવીએ તો છીએ પરંતુ કેટલા વૃક્ષો જીવંત રહયા તેની દરકાર લેતા નથી!
જૂનાગઢ તા. 4
આવતીકાલ તા.5 મી જુનનાં દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે સર્વત્ર ઉજવવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો વૃક્ષારોપણનાં ઠેર-ઠેર યોજવામાં આવશે અને દર વર્ષે આવા કાર્યક્રમો મોટાભાગે યોજાયા બાદ વાવેલા વૃક્ષોનું જતન કરવાની દરકાર લેવામાં આવતી નથી અને જેના કારણે સેંકડો વાવેલા રોપાઓ જાળવણીનાં અભાવે મુરજાઈ જતા હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કરવામાં આવતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાવેલા રોપાનું જતન કરવાનો આજ દિવસે સંકલ્પ લેવામાં આવશે તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક બનશે. દર વર્ષે પ મી જુનનાં દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને લગભગ નાના મોટા શહેરોથી લઈ દેશભરમાં આ દિવસે વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. અને સાથેજ મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન સહીતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. પર્યાવરણ આપણા માટે કેટલું અગત્યનું છે તે બાબતે પ્રાસંગિક પ્રવચનો થાય છે. કેટલાક ફોટા પાડવામાં આવે છે અને તેના અહેવાલો પણ પ્રકાશિત થતા રહયા છે. વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમજ વૃક્ષો પણ વાવવામાં આવતા હોય તે સારી બાબત છે પરંતુ મોટાભાગનાં વર્ષમાં એક દિવસ થતાં વૃક્ષારોપણનાં કાર્યક્રમો બાદ વાવેલા વૃક્ષોનું જતન અને જાળવણી કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થા કે સરકારી તંત્ર લેતું ન હોવાની બાબતો સામે આવતા દુ:ખની લાગણી ઉઠવા પામે છે અને આ સાથે જ એવો સવાલ ઉઠવા પામે છે શું માત્ર વૃક્ષારોપણ કરવા માત્રથી જ આપણી જવાબદારી પુરી થાય છે? ના આપણી જવાબદારી ત્યારેજ પુરી થાય કે વાવેલો છોડ જયારે સમય જતાં વૃક્ષ બની અને ભવિષ્યની પેઢીને શુધ્ધ હવા, છાંયડો આપે ત્યારે જ વિશ્વ પર્યાવરણ દિવસની આપણી ઉજવણી સાર્થક બની તેમ ગણાશે. દર વર્ષે એક ને એક પ્રકારે થતાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણનાં કાર્યક્રમોમાં બદલાવ લાવવાની ખાસ જરૂર છે. તમે એક છોડ વાવો અને તેની યોગ્ય માવજત અને જાળવણી કરવામાં આવે તો આ છોડનું વૃક્ષમાં રૂપાંતર થાય અને અનેકગણો ફાયદો થવાનો છે. વર્તમાન સમયની તેજ રફતાર પ્રદુષણ ઓકતા વાહનોનો વધતો જતો ઉપયોગ દરેક શહેરો અને ગામોમાં ખડકાતા જતાં કોંક્રીટના જંગલો અને વિકાસની દોડમાં કપાયેલા વૃક્ષોને કારણે પ્રદુષીત વાતાવરણ, શુધ્ધ હવા આપી શકતું નથી. આજે લોકો અનેક પ્રકારની બિમારીનો ભોગ બની રહયા છે. તેના કારણમાં આપણો ખોરાક રસાયણ યુકત બનતો જઈ રહયો છે તે મુખ્ય બાબતનો છેજ સાથે જ કુદરતે આપણને વૃક્ષો દ્વારા મળતી શુધ્ધ હવા પણ પ્રદુષીત થઈ રહી છે. જેના કારણે અનેક મુસીબતો, ગંભીર બિમારી, ગરમીનું પ્રમાણ વધતું જવું અને વૃક્ષોનાં અભાવે અપુરતા વરસાદની સમસ્યા રહેલી છે. આ બધી જ સમસ્યાનાં ઉકેલની દ્રષ્ટીએ જાેઈએ તો આજે માનવ જીવનને માટે વૃક્ષોની ઘટને લઈને વૃક્ષોનાં વાવેતરનાં કાર્યક્રમો સફળ રીતે યોજાઈ તે અત્યંત જરૂરી બાબત છે. ત્યારે આવતીકાલે તા.પ મી જુનનાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત છોડના વાવેતર કરી સંતોષ માની લેવાના બદલે જેટલા છોડ વાવ્યા તેનું નિયમીત જતન અને જાળવણી કરવાનો સંકલ્પબધ્ધ સૌ બનીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણની કામગીરી સાર્થક થશે.


