શેરબજારમાં બ્લેક મન્ડે : રોકાણકારોના રૂા.પાંચ લાખ કરોડ સ્વાહા
(એજન્સી) મુંબઈ, તા.8:
પશ્ચિમ એશિયામાં ભભૂકેલી જંગની જ્વાળાઓએ આજે ભારતીય શેરબજારને ધ્રુજાવી દીધું છે, જેના કારણે દલાલ સ્ટ્રીટમાં બ્લેક મન્ડે જેવો માહોલ સર્જાયો હતો. ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલા બાદ વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના વાદળો ઘેરાયા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા. શરૂઆતના મિનિટોમાં જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ગબડીને 73,458 ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટનો આંચકો ખાઈને 23,131 પર આવી ગયો હતો. આ ભયાનક કડાકાને કારણે રોકાણકારોની જંગી સંપત્તિ ધોવાઈ ગઈ હતી અને માત્ર ગણતરીની મિનિટોમાં જ રૂ.૫ાંચ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા.


