યુપી-બિહારમાં આકાશી આફત ત્રાટકી : 31ના મોત
આંધી-વાવાઝોડા સાથે ત્રાટકેલા ભારે વરસાદે તબાહી મચાવી
નવી દિલ્હી તા.5
ઉત્તર પ્રદેશ-બિહારમાં આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક જિલ્લાઓમાં તેજ આંધી, ગાજવીજ સાથે વરસાદ અને આકાશી વીજળી ત્રાટકી હતી. ગરમીથી પીડાતા લોકોને આ વરસાદથી રાહત તો મળી પરંતુ તે જીવલેણ સાબિત થઈ છે. આ બન્ને રાજયોમાં કુદરતી પ્રકોપને કારણે કુલ 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કુદરતી હોનારતમાં અવધ વિસ્તારના જિલ્લાઓમાં જ 7 લોકોના મોત થયાના અહેવાલ છે. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે સંભલ જિલ્લામાં સૌથી વધુ 130 મીમી વરસાદ એકસાથે નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ ત્રાટકતા યુપીમાં વાવાઝોડા-વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે. બિહારમાં 22 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો. વીજળી પડવાથી 7 બાળકો સહિત 23 લોકોનાં મોત થયા. આજે પણ 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે.
રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં ખાસ કરીને ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને ખુલ્લામાં રહેલા લોકો વીજળીની ચપેટમાં આવી ગયા હતા. તેજ પવન અને વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને કાચી દીવાલો ધસી પડવાને કારણે જન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ જોખમ ટળ્યું નહીં હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના 21 જિલ્લાઓમાં આજે પણ ગાજવીજ, તોફાની પવન અને કરા પડવાની શક્યતાને જોતા ‘ઓરેન્જ એલર્ટ‘ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને આકાશી વીજળી અને વજ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


