સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપીંડી કૌભાંડ આચરનારી સાયબર ગેંગનાં ૬ શખ્સો ઝડપાયા : દેશભરમાં ૯૦થી વધુ ગુના

ચોકકસ બાતમીના આધારે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એકસલન્સ સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજસ્થાનથી ગેંગને ઝડપી લેવાઈ : તપાસનો ધમધમાટ

સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપીંડી કૌભાંડ આચરનારી  સાયબર ગેંગનાં ૬ શખ્સો ઝડપાયા : દેશભરમાં ૯૦થી વધુ ગુના

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૨૫
સોમનાથ ટ્રસ્ટ સંચાલીત હોટલોનાં નામે ખોટી વેબસાઈટો બનાવી તેમજ હોટલ બુકીંગ પ્લેટફોર્મ ઉપર ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરી પર્યટકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ગેંગને રાજસ્થાન ખાતેથી સાયબર સેન્ટર ઓફ એકસલન્સ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની ટુકડીએ ઝડપી લીધેલ છે. છેતરપીંડીનાં આ ગુનામાં સંડોવાયેલા ૬ શખ્સોની અટકાયત કરી અને તેમની પાસેથી ૧૦ મોબાઈલ, ર સીમકાર્ડ જપ્ત કરવામાં આવેલ છે. આ ટોળકીની ઉલટ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવેલ છે. દેશભરમાં ૯૦થી વધુ ફરીયાદો આ ગેંગ સામે નોંધાયેલ છે. ત્યારે પકડાયેલા આ શખ્સોની ઝીણવટભરી પુછપરછ સાથે તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. 
પ્રાપ્ત વિગત અનુસાર વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ ડો. કે. લક્ષમીનારાયણ રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક (ક્રાઈમ-ર) પરીક્ષિતા રાઠોડે કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પીઆઈ એ.પી. ગઢવી, એમ.કે. પ્રજાપતિએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે એનાલીસીસ કરી રાજસ્થાન ખાતેથી ૬ આરોપીઓને સાયબર સેન્ટર ઓફ એકસલન્સ ગાંધીનગરે ઝડપી લીધેલ છે.
સોમનાથ ખાતે દર્શનાર્થીઓ માટે સાગર દર્શન અતિથિગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ, લીલાવતી અતિથિ ગૃહો આવેલ છે. ઉપરોકત અતિથિ ગૃહોમાં બુકીંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની સતાવાર વેબસાઈટ ઉપરથી જ કરવામાં આવે છે. છય્ર્ંડ્ઢછ સહીત અન્ય કોઈ હોટલ બુકીંગ પ્લેટફોર્મને મંજુરી આપવામાં આવેલ નથી. તેમ છતાં યાત્રાળુઓ દ્વારા બુકીંગ કર્યાનો દાવો થતા ટ્રસ્ટના રેકોર્ડમાં બુકીંગ ન મળતા છેતરપીંડી થયાની શંકા ઉભી થયેલ. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ગુગલ સર્ચ એન્જીન પર સર્ચ કરતા ભળતા નામની કુલ ૪ ફેક વેબસાઈટો મળી આવેલ 
છે. આ ફેક વેબસાઈટો પર દર્શાવતા મોબાઈલ નંબર દ્વારા પર્યટકો સાથે છેતીરપીંડી આચરવામાં આવે છે જેની ટેકનીકલ તપાસ કરતા જાણવા મળેલ કે આ વેબસાઈટો ઉપર સોમનાથ ટ્રસ્ટની હોટલનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને હોટલના મુળ ફોટાઓ ઉપયોગ કરી તેમાં એડીટીંગ કરીને ખોટા બુકીંગ મોબાઈલ નંબરો દર્શાવી તથા ગુગલ સર્ચ એન્જીન પર ખોટી વેબસાઈટો બનાવી સાયબર સીંડીકેટના આરોપીઓ છેતરપીંડીના રૂપિયા મેળવવા સારૂ અલગ અલગ કયુઆર કોડ સ્કેનર મારફતે રૂપિયા મેળવી લઈ ખોટા બનાવેલ હોટલ બુકીંગ આપી પર્યટકોને ભ્રમિત કરી ગુનો આચરતા હોવાનું બહાર આવ્યું હતું.
આ કૌભાંડમાં સચીન સ/ઓ સુરેશ હરસાના (ઉ.વ. ૧૮) રહે. સેકટર-૮ પ્રતાપનગર, રાજસ્થાન, અભિષેક સ/ઓ રામનિવાસ ઉપાધ્યાય (ઉ.વ. ર૦) રહે. જસવંતનગર, ખાતીપુર, રાજસ્થાન, રાજકુમાર સ/ઓ મહારાણા પ્રતાપ (ઉ.વ. ર૦), રહે. રજતપથ, માનસરોવર, રાજસ્થાન, શેરસીંગ સ/ઓ હેરામસીંગ (ઉ.વ. ર૩), રહે. સ્વર્ણપથ, માનસરોવર, રાજસ્થાન, માધવ સ/ઓ લક્ષમણસિંહ ગુર્જર (ઉ.વ. રર), રહે. સેઉ પો.સ્ટે. ઘાટા, રાજસ્થાન અને વિષ્ણુકુમાર સ/ઓ રામઅવતાર (ઉ.વ. ર૭), રહે. હીરાપણ, માન સરોવર, રાજસ્થાનવાળાને ઝડપી લેવામાં આવેલ છે. પકડાયેલા આ શખ્સો પાસેથી ૧૦ મોબાઈલ અને બે સીમકાર્ડ જપ્ત કરવામાં આવેલ છે. આ આરોપીઓ દ્વારા ખોલાવેલ બેંક ખાતાની વિગતો ૧૯૩૦ પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં ૯૦ સાયબર ક્રાઈમના ગુના થયેલ હોય જેમાં ગુજરાત રાજયની કુલ ૪૩ અરજીઓ તેમજ અન્ય રાજયોની ૪૭ અરજીઓ મળીને જેમાં મહારાષ્ટ્ર રાજયની કુલ ૧૬, ઉત્તરપ્રદેશ રાજયની કુલ ૮, રાજસ્થાન રાજયની કુલ પ, પંજાબ રાજયની કુલ ૩, કર્ણાટક રાજયની કુલ ૩, હરીયાણા રાજયની કુલ ૩, દિલ્હીની કુલ ૩, છત્તીશગઢ રાજયની કુલ ર, બિહાર રાજયની કુલ ૧, મધ્યપ્રદેશ રાજયની કુલ ૧, ઓરીસ્સા રાજયની કુલ ૧, તેલંગણા રાજયની કુલ ૧ એમ મળી કુલ ૯૦ અરજીઓ મળી આવેલ છે. જેમાં લોકો સાથે છેતરપીંડી કરેલ હોવાનું બહાર આવતા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમ્યાન આ કામગીરી પીઆઈ એ.પી. ગઢવી, એમ.કે. પ્રજાપતિ, પીએસઆઈ એચ.કે. પરમાર, એચ.એ. બારોટ, પો.કો હિતેશભાઈ ડાભી, સંદીપદાન ગઢવી, કિશનકુમાર ગઢવી, રણજીતભાઈ સંચાણીયા, યુવરાજસિંહ જાડેજા, કીર્તીદેવસિંહ ઝાલા, વિજયકુમાર પાટીલ, સાગરરાજસિંહ ઝાલા, અમિતકુમાર ગઢવી, મૌલીકભાઈ પટેલ, ટેકનીકલ એક્ષપર્ટ વિશાલભાઈ શાહ, પુજા સીતાપરા વગેરે સ્ટાફ જાેડાયો હતો.

જનહિત સુચના-સાવચેતી
* સોમનાથ ખાતે રહેવાની વ્યવસ્થા માટે માત્ર સત્તાવાર વેબસાઈટ https://somnath.orgઉપરથી જ બુકીંગ કરવું.
* ગુગલ સર્ચમાં દર્શાવાતી અજાણી વેબસાઈટો ઉપર વિશ્વાસ ન કરવો.
* મોબાઈલ નંબર/વોટસઅપ મારફતે બુકીંગ પેમેન્ટ ન કરવું.
* હોટલના ફોટા, નામ અને રિવ્યુ જાેઈને જ ચુકવણી કરવી.
* શંકાસ્પદ વેબસાઈટ/નંબર મળતા તાત્કાલીક પોલીસને જાણ કરવી.
* સાયબર છેતરપીંડીનો બોગ બન્યે તાત્કાલીક સાયબર હેલ્પ લાઈન નં. ૧૯૩૦ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.