સાળંગપુરધામમાં પવિત્રા એકાદશીએ કષ્ટભંજનદેવનું ભવ્ય રાજોપચાર પૂજન, હજારો ભક્તોએ લીધા દિવ્ય દર્શન
દાદાને પવિત્રાના હાર અને વિશેષ શણગાર કરાયો, 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી
બોટાદ તા.૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્રા એકાદશીના પાવન અવસરે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું વિશેષ રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
તારીખ:૨૩-૦૮-૨૦૨૬ને રવિવારના રોજ પવિત્રા એકાદશી નિમિત્તે દાદાને પવિત્રાના હારનો વાઘા તથા વિશેષ પવિત્રા શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક ભક્તોએ દાદાને ધજા પણ અર્પણ કરી હતી.
ત્યારબાદ સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજન દરમિયાન દાદાને વિવિધ ફળ, પુષ્પો, ડ્રાયફ્રુટ સહિતની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. વિશેષ શણગાર સાથે કરવામાં આવેલા આ પૂજનમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે દાદા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
સાંજે 07:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા દાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ આ ધાર્મિક પ્રસંગના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જ્યારે અનેક ભક્તોએ ઓનલાઈન માધ્યમથી પણ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
સાળંગપુરધામમાં રાજોપચાર પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના પરમ સેવક હનુમાનજી ભક્તોના કષ્ટો દૂર કરનાર દેવ તરીકે પૂજાય છે. રાજાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા વિશેષ ઉપચારને રાજોપચાર પૂજા કહેવામાં આવે છે અને આ પરંપરા અનુસાર શ્રી કષ્ટભંજનદેવનું રાજોપચાર પૂજન કરવામાં આવે છે.
આ પૂજનવિધિ દરમિયાન હનુમાનજી મહારાજને સૌપ્રથમ ચારેય વેદોના મંત્રો સમર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદોના પાઠ સાથે ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સંગીત સાધનો દ્વારા સંગીતની રજૂઆત પણ કરવામાં આવે છે.
રાજોપચાર પૂજામાં દાદાને વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી શ્રી હનુમાનજી મહારાજ પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન દરમિયાન સાળંગપુરધામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.


