સંસદનું શિયાળુ સત્ર આગામી તારીખ પહેલી ડિસેમ્બર થી ૧૯મી ડિસેમ્બર સુધી યોજાશે

સંસદનું શિયાળુ સત્ર આગામી તારીખ પહેલી ડિસેમ્બર થી ૧૯મી ડિસેમ્બર સુધી યોજાશે

નવી દિલ્હી, તા.૧૧
સંસદનું શિયાળુ સત્ર તારીખ પહેલી ડિસેમ્બરથી શરૂ કરવા માટેની કેન્દ્ર સરકારની દરખાસ્તને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હોવાનું જાહેર થયું છે. સંસદનું શિયાળુ સત્ર તારીખ પહેલી ડિસેમ્બરથી શરૂ થશે અને ૧૯મી ડિસેમ્બરના રોજ તેનું સમાપન થશે. સંસદીય કાર્યવાહી અને કામકાજની જરૂરિયાતો અને તાકીદ અનુસાર આ રીતે સત્ર ચાલશે અને કુલ ૧૫ બેઠકો યોજાશે તેમ જાહેર થયું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર પહેલી નવેમ્બર ૨૦૨૫થી ૧૯મી નવેમ્બર સુધી યોજવા માટેની કેન્દ્ર સરકારની દરખાસ્તને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી છે અને મંજૂરી આપી છે. આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે અને લોકોની આશા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરે એવી રીતે સંસદની આ બેઠક ખૂબ જ રચનાત્મક અને હેતુ પૂર્ણ બની રહેવાની તેમણે આશા રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસદનું સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થશે અને કુલ ૧૫ જેટલી બેઠકો યોજાશે. સંસદની અન્ય બેઠકોના પ્રમાણમાં આ સત્ર ટુંકું રહેશે. રાજકીય નિરીક્ષકો માને છે કે સંસદના શિયાળો સત્રમાં બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ઘેરી અસર જાેવા મળી શકે છે. દેશવ્યાપી એસઆઇઆર કવાયતના બીજા તબક્કા સામે વિરોધ પક્ષો જાેરદાર વિરોધ નોંધાવે એવી ધારણા છે. મતદાર યાદીઓમાં ગોટાળા અને નામોની કમી જેવા મુદ્દાઓ ઉપર પણ વિપક્ષ સંસદમાં ધમાલ મચાવે તેવી શક્યતા છે. દરમ્યાન સરકાર પણ કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની કોશિશ કરશે જેમાં ૧૨૯મો અને ૧૩૦મો બંધારણ સુધારા ખરડા, પબ્લિક ટ્રસ્ટ બિલ અને ઇનસોલવંશી તથા નાદારી બિલ સહિતના મહત્વના બિલનો સમાવેશ થાય છે.