ઉનામાં બનાવટી ગુગલ પે એપ્લીકેશન બતાવી છેતરપીંડી કરનાર બે શખ્સોને ઝડપી લેતી પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૧
ઉના શહેરમાં ગત તા.૨૩-૩-૨૦૨૬ના રોજ ઊનામાં આવેલ SBIના ATM સેન્ટર પાસે બે અજાણ્યા યુવાનો આવી વાતચીત કરી લોકોને ઇમરજન્સીનું કારણ બતાવી પોતાના મોબાઇલ ફોનમાં ગૂગલ પેની નકલી એપ્લિકેશન બતાવી વેપારીના ખાતામાં રકમ જમા થઈ ગઈનો સ્ક્રીન શોર્ટ પાડી બતાવી એક ભાઈ પાસેથી રૂપિયા 15000 અને બીજા ભાઈ પાસેથી રૂપિયા 5000 રોકડા લઈ ફરાર થઈ ગયા હતા જેને રૂપિયા આપેલ તેના ખાતામાં રકમ જમા થઇ ના હતી તેથી તેમણે ઉના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જી. કે. મોરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.પી. સરવૈયા અને સ્ટાફએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી ઉનામાંથી બે યુવાનો સંદીપ ચંદુભાઈ આલગીયા રે. અમરેલી અને ધુવન ધ્રુમર ઉર્ફે ધ્રુવદીપ પ્રફુલ્લભાઇ મહેતા રે. અમરેલી વાળાને એક મોટર સાયકલ સાથે પકડી બે મોબાઇલ ફોન, રોકડા રૂપિયા ૨૦૦૦૦ સાથે પકડી પાડી ઉના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઉના પોલીસે જણાવેલ કે આરોપી સામે આઠથી વધુ છેતરપિંડીના ગુના દાખલ થયેલ છે. તેમણે અમરેલી, સુરત અને રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં પણ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું.


