જૂનાગઢમાં છતી સુવિધાએ લોકોને મુશ્કેલી : કોઈ કાર્યક્રમો થઈ શકતા નથી કરોડોનું આંધણ છતાં ટાઉનહોલની ભંગાર હાલત!
પુર્વ કમિશ્નર, ડીડીઓ, ધારાસભ્ય, મુખ્યમંત્રી સહીત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં શામળદાસ ગાંધી ટાઉનહોલના ‘તાળા’ ન ખુલ્યા!
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ શહેરનાં હાર્દ સમા વિસ્તારમાં સરદાર પટેલ ચોક જીમખાના પાસે આવેલ શામળદાસ ગાંધી ટાઉન હોલ આજે કરોડોનું આંધણ કરી નાખવા છતાં જાળવણીનાં અભાવે, બેદરકારીના કારણે તેની અત્યંત ખરાબ સ્થિતી સર્જાણી છે અને આજે ટાઉનહોલની ભંગાર હાલત થઈ છે અને ટાઉન હોલ જાહેર કાર્યક્રમો માટે ભાડે આપી શકાતો નથી જેનાં કારણે જૂનાગઢમાં સંગીત, નાટક, મુશાયરા, સન્માન સમારોહ સહીતનાં વિવિધ કાર્યક્રમો યોજવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલી તકે શામળદાસ ગાંધી ટાઉનહોલની સુવિધા મળી શકે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં આવેલ શામળદાસ ગાંધી ટાઉન હોલ અદ્યતન બિલ્ડીંગ ધરાવે છે. શહેરનાં પ્રવેશવાનાં ચોકમાં જ ટાઉનહોલ જાેવા મળે છે. બહારથી ભવ્ય ઈમારત દર્શાવતા ટાઉનહોલ અંદર પણ ભવ્ય જ હશે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગે પરંતુ વાસ્તવિકતા અલગ છે. ટાઉનહોલનાં હોલમાં જાણે કબાડખાનું કે ભંગારનો ડેલો હોય તેવી હાલત સર્જી દીધી છે. ટાઉનહોલમાં જયાં ત્યાં માલસામાન પડેલો જાેવા મળે છે. ખુરશીઓ પણ માલ સામાનથી ભરેલી વેરવિખેર જાેવા મળે છે. એક સમયે જૂનાગઢમાં નાટક, લોકડાયરો, સંતવાણી, શાળાકીય કાર્યક્રમો, સન્માન સમારોહ, સરકારના કાર્યક્રમો સહીતનાં અનેક કાર્યક્રમોથી ટાઉનહોલ ગુંજતો હતો તેની આવી દશા કરવા માટે કોણ જવાબદાર તેવો સવાલ આજે ચર્ચાનો વિષય બન્યો છે. ટાઉનહોલ પાછળ વારંવાર મોટા ખર્ચાઓ થયા છે પણ પાણીમાં ગયા અથવા વેડફાઈ ગયા હોવાની ફરીયાદો રહેલી છે. જૂનાગઢની શાન સમા ટાઉનહોલમાં સુધારા વધારા અને ખર્ચાઓ થતાં રહયા છે. જૂનાગઢની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટાઉનહોલમાં એ.સી. બરાબર ચાલતા નથી તેવી ટકોર થઈ હતી. દરમ્યાન ટાઉનહોલમાં કેટલેક સ્થળે નુકશાન થયું હોવાનાં બહાના હેઠળ ટાઉનહોલને અચાનક બંધ કરી દેવામાં આવેલ. ટાઉનહોલ બંધ કર્યા પછી પણ રૂા.૧ કરોડનાં ખર્ચે એ.સી. ફીટ કરવામાં આવેલ છે અને આજે ટાઉનહોલ બંધ છે.
જૂનાગઢમાં જાહેર કાર્યક્રમો યોજી શકાય તેવું પ્લેટફોર્મ ધરાવતા ટાઉનહોલ છેલ્લા રર મહીનાથી બંધ છે. તેને લઈને કાર્યક્રમોનાં આયોજકોને ભારે મુશ્કેલી પડી રહી છે તેમ જણાવતા જૂનાગઢના કલાકાર અને વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરતા અને ટાઉનહોલમાં અનેક કાર્યક્રમો યોજનારા અમીત બુચએ જણાવ્યું હતંુ કે, જૂનાગઢમાં સારો કાર્યક્રમ યોજી શકાય તેવો ટાઉનહોલ છે પરંતુ હાલ બંધ છે. અમોને રાજકોટ, અમદાવાદ, મુંબઈ સહીતનાં બહારના સીટીમાંથી પણ ઈન્કવાયરી આવે છે અને કાર્યક્રમ યોજવા માટે જયારે કહેવામાં આવે છે ત્યારે અમારે ના પાડવી પડે છે. અમીત બુચએ વધુમાં જણાવ્યું હતું કે, ટાઉનહોલ વહેલી તકે પુન: શરૂ કરવાની માંગણી અમોએ કરેલી છે જ. જૂનાગઢનાં તત્કાલીન ડીડીઓને જે તે સમયે મળી આવેદનપત્ર આપી અને રજુઆત કરી હતી. ઉપરાંત જૂનાગઢનાં પુર્વ કમિશ્નર ડો.ઓમપ્રકાશને પણ જે તે વખતે ટાઉનહોલ બંધ હોવાથી કાર્યક્રમો યોજી શકાતા નથી જેથી યોગ્ય કરવા રજુઆત કરી હતી પરંતુ કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. અમીત બુચ દ્વારા ગત જુલાઈ માસમાં મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી અને ટાઉનહોલની વર્તમાન સ્થિતી અને કાર્યક્રમ યોજવા માટે આયોજકોને પડતી મુશ્કેલીની રજુઆત કરાઈ હતી. મુખ્યમંત્રીએ યોગ્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાને પણ અમો ટાઉનહોલ બાબતે રજુઆત કરવા ગયા હતા. આ તકે ધારાસભ્ય સંજય કોરડીયાએ અમોને જણાવ્યું હતું કે, આ પ્રશ્ન સ્થાનિક કોર્પોરેશન હસ્તકનો છે. મારા વિધાનસભા ક્ષેત્રનો નથી તેમ જણાવ્યું હોવાનું અમીત બુચએ માહિતી આપી હતી. જૂનાગઢ શહેરમાં આવેલ શામળદાસ ગાંધી ટાઉન હોલ કાર્યરત કરવાની માંગ સાથે કાર્યક્રમોનાં આયોજક અમીત બુચએ મનપાના પુર્વ કમિશ્નર, ડીડીઓ, ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજુઆત કરી છે પરંતુ આજ દિવસ સુધી ટાઉનહોલનાં બંધ તાળા ખુલ્યા નથી જેથી વહેલી તકે ટાઉનહોલની સુવિધા મળે તે માટે કાર્યવાહી કરવા માંગણી છે.




