દેશનુ અર્થતંત્ર મજબુત : સ્થાનિક માંગ વધી - ચોમાસામાં સુધારાથી કૃષીક્ષેત્રમાં જાેખમો ઘટયા

દેશનુ અર્થતંત્ર મજબુત : સ્થાનિક માંગ વધી - ચોમાસામાં સુધારાથી કૃષીક્ષેત્રમાં જાેખમો ઘટયા

(એજન્સી)    નવી દિલ્હી તા, ૨૬
રિઝર્વ બેંકના ઓગસ્ટ મહિનાના બુલેટિનમાં પ્રકાશિત ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી‘ અહેવાલ મુજબ, દેશનાં આર્થિક ક્ષેત્રે સકારાત્મક ચિત્ર સામે આવ્યું છે. દેશની લગભગ અડધી વસ્તી કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ પર ર્નિભર છે, ત્યારે જુલાઈ મહિનામાં ચોમાસું ફરી સક્રિય થવાથી ખરીફ પાકની વાવણી સામાન્ય સ્તરની નજીક પહોંચી ગઈ છે.
આનાથી કૃષિ ક્ષેત્ર પર તોળાતું જોખમ ઘણું ખરું ઓછું થયું છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા અને પડકારો હોવા છતાં, ભારતીય અર્થતંત્રમાં સ્થાનિક માંગ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રની મજબૂત કામગીરીનાં કારણે નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે.
વરસાદની વાત કરીએ તો, જૂનના અંત સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં ૩૫.૪ ટકાની મોટી ઘટ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં પડેલાં સારા વરસાદને કારણે જુલાઈના અંત સુધીમાં ૧ ટકાનો સરપ્લસ નોંધાયો છે.
જેના પરિણામે દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ તેનાં દાયકાના સરેરાશ સ્તરની નજીક પહોંચી ગયો છે, જે વર્ષ ૨૦૨૩ના અલનીનો વર્ષ કરતાં પણ સારો છે. સ્થાનિક માંગ મજબૂત રહેવાનાં સંકેત ટ્રેક્ટર અને વાહનોના વેચાણના આંકડા પરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.
સ્થાનિક માંગમાં વધારો અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં તેજીને કારણે ભારતીય અર્થતંત્રમાં મજબૂતી જોવા મળી છે. વધુમાં, જુલાઈમાં સારા ચોમાસાએ કૃષિ પરના ખતરાને ઘટાડ્યો છે. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે બુલેટિન લેખોમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના પોતાના છે અને તે જરૂરી નથી કે તે રિઝર્વ બેંકના સત્તાવાર મંતવ્યો પ્રતિબિબિત કરે.
વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે, RBIના અહેવાલમાં ખાસ જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા વધારાના ૧૦ ટકા ટેરિફની અસર ચીન અને અન્ય એશિયન દેશો કરતાં ભારત પર ઓછી થવાની ધારણા છે.