ધોકડવાથી બેડીયા રોડ ઉપર બે કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત રાજકોટનાં યુવાનનું કમકમાટી ભર્યું મોત
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.9
ગીરગઢડા તાલુકામાં વાહન અકસ્માતના બનાવો વધ્યા છે. થોડા દિવસો પહેલા ધોકડવા-જસાધાર જતા રોડ ઉપર નગડિયા ગામ પાસે જસાધારના બે આશાસ્પદ યુવાનોને અજાણ્યા મોટરકારએ ટક્કર મારી હતી અને બે યુવાનોના મોત થયા હતા. તેનો આરોપી કે મોટર કાર હજુ પકડાઈ નથી ત્યાં ગીરગઢડા તાલુકાના ધોકડવાથી બેડીયા જતા રોડ ઉપર બે મોટરકાર અને એક ડબલ સવારી વાળી મોટર સાયકલ સાથે ત્રિપલ અકસ્માત થયો હતો. મોટર રોડ નીચે ઝાડીમાં ઉતરી ગઇ હતી. જેમાં મૂળ જૂનાગઢ જિલ્લાના બીલખા ગામના હાલ રાજકોટ રહેતા દેવલભાઈ જગદીશભાઈ ગોહિલ(ઉ.વ.21) જેના પાંચ મહિના પહેલા ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે લગ્ન થયા હતા અને તેમની પત્ની પિયર ખિલાવડ હોય તેડવા આવતા હતા ત્યારે મોટર કાર બીજી કાર સાથે ભટકતા ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. જ્યારે બીજી મોટરમાં મુસાફરી કરી રહેલ મનુભાઈ શેખાવા(ઉ.વ.60), ચમપુભાઈ મનુભાઈ શેખાવા મિહિર ચુડાસમા રે. ડાભાળી જીલ્લો અમરેલી અને બાઇક ઉપર મુસાફરી કરી રહેલ વિપુલ કનુભાઈ મેવાડા (ઉ.વ.30), રાહુલ વાલજી ભાઈ મેવાડા(ઉ.વ.22) રે. અંબાડા તા.ગીર ગઢડાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ઊનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્રિપલ અકસ્માત વખતે એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને તમામને વાહનમાંથી બહાર કાઢી 108 એબ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતા તે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.


