નવીદિલ્હીમાં ગત મોડીરાત્રે ધાર્મિક સ્થળ નજીકનું દબાણ હટાવાતા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ : પથ્થરમારો, લાઠીચાર્જ, અશ્રુવાયુ છોડાયો
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭:
પાટનગર દિલ્હીમાં મધરાતે રામલીલા મેદાન પાસે તુર્કમાન ગેટ નજીક ફૈઝ-એ-ઈલાહી મસ્જીદ પાસેના દબાણને હટાવવાની કામગીરી સમયે ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતા એકત્ર થયેલા ટોળાએ પથ્થરમારો કરી તથા પોલીસ કામગીરીમાં અવરોધ પેદા કરવા કોશીશ કરતા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ તથા અશ્રુવાયુ છોડીને સ્થિતિ પર અંકુશ સ્થાપવા કોશીશ કરી હતી. નવી દિલ્હીમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જીદ પાસે લાંબા સમયથી વધારાના દબાણ ઉભા કરી દેખાયા હતા. જેની સામે યોગ્ય કાનુની કાર્યવાહી બાદ રાત્રીના મહાપાલિકાએ બુલડોઝરના કાફલા સાથે આ દબાણ દુર કરવાનું અભિયાન શરૂ કરતા જ આસપાસથી સેંકડો લોકો એકત્ર થયા હતા અને આ દબાણ હટાવવાની કામગીરી સામે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.


