વડાપ્રધાનની મુલાકાતના બે દિવસ પહેલા મણીપુરમાં હિંસા ફાટી નીકળી
મણીપુરમાં તોફાની તત્વોએ વડાપ્રધાનનું સ્વાગત કરતા પોસ્ટરો-બેનરો ફાડી નાખ્યા : બેરીકેડ તોડી નાંખી, આગજનીની ઘટનાઓ
(એજન્સી) ઇમ્ફાલ તા.૧૨
વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા, મણીપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. ગત મોડી રાત્રે ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા, બેરિકેડ તોડી નાખ્યા અને આગ લગાવી દીધી.
આ ઘટના ચુરાચંદપુર પોલીસ સ્ટેશનથી લગભગ ૫ાંચ કિમી દૂર આવેલા પિસોનામુન ગામમાં બની હતી. પોલીસે ઉપદ્રવીઓને ભગાડ્યા હતા. તેમણે લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે, કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી જાણી શકાઈ નથી.
સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, મોદી ૧૩ સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેશે અને ૮,૫૦૦ કરોડ રૂપિયાની ભેટ આપશે. મોદી ચુરાચંદપુરના શાંતિ ગ્રાઉન્ડથી ૭,૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ વિસ્તારમાં કુકીઓનું પ્રભુત્વ છે. આ
સાથે, વડાપ્રધાન મૈતેઈ-પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ઇમ્ફાલથી ૧,૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
મણિપુર હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે. મણિપુરમાં મે ૨૦૨૩માં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય
હિંસા શરૂ થઈ હતી. આ
હિંસામાં અત્યાર સુધીમાં ૨૬૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. મણિપુરમાં ૧૩ ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.


