વેરાવળના ઓવરબ્રિજ મુદ્દે તંત્ર હરકતમાં : કમિશ્નરે સાઈટ વિઝિટ કરી
સાડાચાર વર્ષે પણ કામ અધૂરૂ, નગરજનોની હાલાકી વચ્ચે GUDCના અધિકારીઓને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા કડક તાકીદ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૧
વેરાવળ શહેરમાં લાંબા સમયથી શિરદર્દ સમાન બનેલા ગોકળગતિએ ચાલી રહેલા બે ઓવરબ્રિજના કામને લઈને હવે રાજ્ય સરકારનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઓવરબ્રિજના અધૂરા કામને કારણે ટ્રાફિક સમસ્યા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા નગરજનોને રાહત મળે તે માટે નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના શહેરી વિકાસ વિભાગના મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશ્નર રમૈયા મોહન વેરાવળની મુલાકાતે પહોંચ્યા હતા. રમૈયા મોહનની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં ભાવનગર ઝોન હેઠળ આવતી તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર સહિતના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ કમિશનર રમૈયા મોહન અધિકારીઓના કાફલા સાથે વેરાવળ શહેરમાં લોકો માટે માથાનો દુખાવો બનેલા બંને ઓવરબ્રિજની સાઈટ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી તેમણે બ્રિજની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. કામગીરીની પ્રગતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને GUDCના અધિકારીઓને બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કડક તાકીદ કરી હતી. આ અંગે વેરાવળ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું હતું કે, બંને ઓવરબ્રિજના નિર્માણની કામગીરી GUDC હસ્તક ચાલી રહી છે. જે કામ દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું હતું તે સાડાચાર વર્ષનો સમય વીતી જવા છતાં પૂર્ણ થયું નથી. નગરપાલિકા પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે આ ગંભીર મુદ્દાને અગ્રતા આપી હતી. આ મુદ્દે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વેરાવળ નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર બંને ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને નગરજનોને પડતી હાલાકીમાંથી રાહત મળે તે માટે કટિબદ્ધ છે. હવે રાજ્ય કક્ષાના અધિકારીની સાઈટ વિઝિટ બાદ બંને ઓવરબ્રિજની કામગીરીને વેગ મળે છે કે કેમ અને નગરજનોને ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


