શિવરાત્રી મેળો રાષ્ટ્રીય ફલક પર ગુંજી ઉઠે તેવો સરકારનો અભિગમ

આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારા શિવરાત્રીનાં મેળા માટે અનેકવિધ પગલાઓ લેવાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શિવરાત્રી મેળામાં મુખ્ય મહેમાન બનશે

શિવરાત્રી મેળો રાષ્ટ્રીય ફલક પર ગુંજી ઉઠે તેવો સરકારનો અભિગમ

જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં પ્રતિ વર્ષ યોજાતા શિવરાત્રીનાં મહામેળાને આધ્યાત્મીક ઓળખ સાથે વિશ્વ ફલક પર લઈ જવાનાં પ્રયાસ અને અભિગમ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારો શિવરાત્રીનો મેળો મીની કુંભ (લઘુ કુંભ) મેળા તરીકે શ્રેષ્ઠ અને ઉત્તમ રીતે ઉજવાઈ તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે અને જેને લઈને સરકાર, જીલ્લા વહીવટી તંત્ર, સંતોની મહત્વપૂર્ણ બેઠક સતત યોજવામાં આવી રહી છે. અને શિવરાત્રી મેળાને લઈને માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે. અને આગામી શિવરાત્રીનાં મેળામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભવનાથ મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ભવનાથ મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, પીવાના પાણી, નિવાસ અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે પરંપરાગત રીતિ-રીવાજાે જાળવી રાખવાની સાથે આધુનિક વ્યવસ્થાઓ ઉમેરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. સ્થાનિક આગેવાનોએ જુનાગઢ શહેર પર પડતા ભારને ધ્યાનમાં રાખી પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને વેપારીઓ માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી હતી. આ તકે વહીવટી અધિકારીઓએ પ્રાથમિક આયોજનની રૂપરેખા રજૂ કરી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને આરોગ્ય વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન સ્વચ્છતા, પાર્કિંગ અને દામોદર કુડમાં સફાઈ જેવી વ્યવસ્થાઓ માટે કાયમી ઉકેલ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી. પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તે રીતે ભવનાથ વિસ્તારની સુંદરતા વધે અને મેળો નેશનલ લેવલનો બને, જેથી દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવેએ દિશામાં વિશેષ ભાર મૂકાયો. સંતો-મહંતોના સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. સંતો સાથે બેસીને રવેડી (શોભાયાત્રા)નો રૂટ વધુ લાંબો અને સુવ્યવસ્થિત બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી. સાથે સાથે સ્વચ્છતા, ટોયલેટ, પાર્કિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ વધારવા અંગે સહમતિ સાધવામાં આવી. આ ઉપરાંત સુદર્શન તળાવમાં નિયમિત આરતી યોજાય અને સમગ્ર મેળો વધુ પવિત્ર, વ્યવસ્થિત અને ભવ્ય બને તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સ્પષ્ટ થયું છે કે સરકાર, સ્થાનિક વહીવટ તંત્ર અને સંતો મળીને ભવનાથ મેળાને ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવવાના પ્રયાસમાં આગળ વધી રહ્યા છે. અને આગામી શિવરાત્રી મેળા માટેની તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહયો છે.
 ગઈકાલે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, વિવિધ વિભાગનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સંતો પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

ગાંધીનગર ખાતે યોજાયેલી શિવરાત્રી મેળાની આયોજનની બેઠકમાં વરિષ્ઠ સંતોની સૂચક ગેરહાજરી

જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રીના મહામેળાને લઈને સરકાર અને વહીવટી તંત્ર, સંતો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે તેમજ આ મેળાને લઈને અનેકવિધ પગલાઓ જારી કરવામાં આવેલ છે. દરમ્યાન ગઈકાલે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંતો, જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તેમજ ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં વિવિધ પગલાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ અહીં શિવરાત્રી મેળામાં આવનારા શ્રધ્ધાળુઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેના પગલાના નિર્દેશ અપાયો હતો. ગઈકાલે યોજાયેલી મહત્વની બેઠકમાં કેટલાક સંતોની ગેરહાજરી સૂચક જણાતી હતી.