ભેંસાણનાં વેપારી વિરૂધ્ધ મ્યુલ એકાઉન્ટનો ગુનો નોંધાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૮
છેલ્લા કેટલાક સમય થયા સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજીએ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેની તપાસ છેક દિલ્હીથી લઈને કેરળ સુધી જાેડાયેલા છે. ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ ‘ઓપરેશન મ્યુલ હન્ટ‘ અંતર્ગત જૂનાગઢ એસઓજીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા જૂનાગઢની યશ બેંકમાં ચાલતા એક શંકાસ્પદ ખાતાની વિગતો શોધી કાઢી હતી.
તપાસમાં બહાર આવ્યું કે, ભેંસાણના ચણાકા ગોરખપરા વિસ્તારમાં રહેતા નિકુંજ જમનભાઈ ડોબરીયા નામના વેપારીએ ‘સોમનાથ એન્ટરપ્રાઈઝ‘ ના નામે પ્રોપરાઈટર એકાઉન્ટ ખોલાવીને આખા દેશના સાયબર માફિયાઓ માટે પોતાના ખાતાને નાણાંની હેરફેર કરવાનું માધ્યમ બનાવ્યું હતું. SOGની આ સફળ તપાસ અને પર્દાફાશ બાદ હવે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.
ભારત સરકારના સાયબર પોર્ટલ (NCCRP) અને પોલીસ સમન્વય પોર્ટલ (JMIS) ના માધ્યમથી જૂનાગઢ એસઓજીએ જ્યારે આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એક જ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી ૯૧ જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સાયબર માફિયાઓ ભોગ બનનાર પાસેથી નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે નિકુંજ જેવા લોકોના ખાતા કમિશન કે ભાડેથી રાખી તે નાણાં ટ્રાન્સફર કરાતા હતા.આરોપી નિકુંજ ડોબરીયા સારી રીતે જાણતો હતો કે, તેના ખાતામાં આવતા નાણાં ગુનાહિત પ્રવૃત્તિના છે
તેમ છતાં તેણે આર્થિક ફાયદાની લાલચમાં આ રૂા. ૩,૪૨,૩૭,૮૮૪ (૩.૪૨ કરોડ) રૂપિયા વિડ્રો કરીને અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને સાયબર ગઠિયાઓને મદદ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ૮૯ જેટલા ભોગ બનનાર લોકોની ઓળખ કરી છે, જેઓ દેશના અલગ-અલગ ખૂણેથી આ માયાજાળમાં ફસાયા હતા. SOGની તપાસમાં કૌભાંડની અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી અને હરિયાણામાં શેરબજારમાં રોકાણ અને IPOની લાલચ આપીને સૌથી વધુ લૂંટ ચલાવવામાં આવી છે. દિલ્હીના શાહદરાના તન્મય ગુપ્તાએ ૧૪,૦૦,૦૦૦ રૂપિયા અને દ્વારકાના કનવલજીત સિંઘે રૂા. ૨,૩૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા છે. હરિયાણાના કૈથલ અને હિસારમાં ગઠિયાઓએ ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોના ખાતા ખાલી કરી દીધા હતા.અહીં ગુનેગારો લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને વિશ્વાસ જીતતા અને ત્યારબાદ હાઈ-પ્રોફાઈલ ટ્રેડિંગના નામે રકમ ટ્રાન્સફર કરાવતા હતા. પંજાબના અમૃતસર અને સંગરુરમાં પણ રોકાણના બહાને લાખોની રકમ પડાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


