અમેરિકાને ‘નોરઈસ્ટર’ વાવાઝોડાએ ઘમરોળ્યું  

૯ લાખ ઘરની વીજળી ગુલ : ૪૦૦ ફ્લાઇટ્સ રદ

અમેરિકાને ‘નોરઈસ્ટર’ વાવાઝોડાએ ઘમરોળ્યું  

(એજન્સી)     વોશિંગ્ટન તા.૨૭
અમેરિકામાં વાવાઝોડાને કારણે ભારે પવનો અને ભારે વરસાદથી ૯ લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. ત્યાં જ, ૧૮૦૦ ફ્લાઇટ્સ મોડી પડી અને ૪૦૦થી વધુ ઉડાનો રદ કરવી પડી.
પૂર્વ કિનારે ‘નોરઈસ્ટર’ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેના કારણે ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવનો અને ભારે વરસાદ થવાની આશંકા છે.
ખરાબ હવામાનને કારણે લાખો લોકોની મુસાફરી પ્રભાવિત થઈ રહી છે. થેન્ક્સગિવિંગ અમેરિકાનો મોટો તહેવાર છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે અન્ય શહેરોમાં જાય છે. આવી સ્થિતિમાં હવાઈ મુસાફરીમાં વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઉઠી રહેલા તીવ્ર મોજાંએ કિનારે બનેલા અનેક માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. 
સાન ડિયેગોની આસપાસ સમુદ્રનું પાણી જૂના રેકોર્ડ કરતાં પણ ઉપર પહોંચી ગયું છે. તેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ વધી ગયું છે.
હવામાનની અસર માત્ર દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત નથી. અમેરિકાના મધ્ય ભાગોમાં બુધવારથી શુક્રવાર સુધી વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી વધુ વધી શકે છે.