અવિકા ગોરને ડેન્ગ્યૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ, 104 ડિગ્રી તાવમાં પણ શૂટિંગ પૂરું કર્યું

પાંચ દિવસથી તાવ છતાં કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી; પતિ મિલિન્દ ચંદવાનીએ વીડિયો શેર કરી આપી માહિતી

અવિકા ગોરને ડેન્ગ્યૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ, 104 ડિગ્રી તાવમાં પણ શૂટિંગ પૂરું કર્યું

મુંબઈ, તા. 10
ટીવી અભિનેત્રી અવિકા ગોરને ડેન્ગ્યૂ થયો હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા પાંચ દિવસથી ભારે તાવથી પીડાતી અવિકાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના પતિ મિલિન્દ ચંદવાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને અભિનેત્રીની તબિયત અંગે જાણકારી આપી હતી.
મિલિન્દે વીડિયોમાં જણાવ્યું હતું કે અવિકાને છેલ્લા પાંચ દિવસથી લગભગ 104 ડિગ્રી તાવ આવી રહ્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં તેણે પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલાં એક પ્રોજેક્ટનું બે દિવસનું શૂટિંગ બાકી હતું, જે અવિકાએ એક જ દિવસમાં પૂર્ણ કર્યું હતું.
શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અવિકાએ બે દિવસ આરામ કર્યો અને ત્યારબાદ એક જાહેરાતના શૂટિંગ માટે દિલ્હી પણ ગઈ હતી. આ દરમિયાન કરવામાં આવેલા મેડિકલ ટેસ્ટના રિપોર્ટમાં તેને ડેન્ગ્યૂ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેને વધુ સારવાર અને દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અવિકાએ તબિયત ખરાબ હોવા છતાં કામ ચાલુ રાખવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેના કહેવા પ્રમાણે, તે પોતાના કારણે કોઈનો સમય કે પૈસા બગાડવા માગતી નહોતી અને પોતાની ક્ષમતા મુજબ કામ પૂર્ણ કરવાની તેની ઇચ્છા હતી.
અવિકાની ટીમના એક સભ્યએ પણ તેની તબિયત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં અભિનેત્રીની સ્થિતિ એવી હતી કે તેના માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. તે યોગ્ય રીતે ખાઈ પણ શકતી નહોતી અને માત્ર ORSના સહારે રહી હતી. આ સ્થિતિમાં પણ કામ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પ્રશંસા કરી હતી.
અવિકા ગોર લાંબા સમયથી ટેલિવિઝન જગતમાં લોકપ્રિય ચહેરો છે. તાજેતરમાં તેની તેલુગુ ઓટીટી ફિલ્મ ‘અગ્લી સ્ટોરી’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર સારો પ્રતિસાદ મળ્યો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં શ્રી નાયડુ તેની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.