આજે સાંજ સુધીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ જવાની શકયતા : ભાજપે ર૩ મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી
(બ્યુરો) ગાંધીનગર તા.૧૦
ગુજરાતમાં આગામી ૨૬મીએ યોજાનારી કોર્પોરેશનો-પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે ઉમેદવારી ફોર્મ ભરવાના આવતીકાલેના છેલ્લા દિવસ પૂર્વે રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે.
ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામો જાહેર કર્યા નહીં હોવાથી આવતીકાલે ફોર્મ ભરવા જબરો ધસારો થશે તે નિશ્ચિત છે. પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના ૧૭ હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આજે ભાજપે અમદાવાદ, પાટણ, નર્મદા જિલ્લાના પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં ૨૩ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નગરપાલિકામાં ૪, દહેગામ ન.પા. ૩, વિરમગામ તા.પંચાયતમાં ૧, ધંધુકા તા.પંચાયતમાં ૧ અને સાણંદ તાલુકા પંચાયતમાં ૧ મુસ્લિમ ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.


