કેશ કાંડમાં સંડોવાયેલા અલ્હાબાદ હાઈકોર્ટના જજ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું

માર્ચ-ર૦રપમાં દિલ્હીમાં જજના સત્તાવાર નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રૂા.પ૦૦ના દરની બળેલી નોટો મળી આવી હતી

કેશ કાંડમાં સંડોવાયેલા અલ્હાબાદ હાઈકોર્ટના જજ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું

(એજન્સી)   અલ્લાહાબાદ તા.૧૦
અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ ૨૦૨૫માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટરના જવાનોને ત્યાંથી મોટી માત્રામાં ૫૦૦ના દરની અડધી બળેલી નોટો મળી આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ત્રણ જજની સમિતિએ તપાસમાં જસ્ટિસ વર્મા સામે પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું નોંધ્યું હતું. જસ્ટિસ વર્માએ અગાઉ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સંસદના બંને ગૃહોમાં તેમને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા (Removal Motion) શરૂ કરવામાં આવી હતી. જજ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે સ્વેચ્છાએ પદ છોડવાનો ર્નિણય લીધો છે.