ઈરાન-અમેરીકા વચ્ચે ફરી યુધ્ધ ફાટી નીકળ્યું
વોશિંગ્ટન/તહેરાન તા.3 :
અમેરિકા-ઈરાન વચ્ચે સમજુતીમાં આવી રહેલા ચડાવ-ઉતાર અને બન્ને દેશો એક બીજા પર શરતો લાદી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે ફરી એક વખત બન્ને દેશોની સેના વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ છે.
અમેરિકાએ દાવો કર્યો છે કે, ગલ્ફના સાથી દેશોની મદદથી ઈરાન તરફથી દાગવામાં આવેલી મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને જવાબી કાર્યવાહીમાં ઈરાનના કેશમ ટાપુ પર હુમલા કરાયા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ છે કે તહેરાન ક્ષેત્રમાંથી કુવૈત, બહેરીન પર મિસાઈલ દાગવામાં આવી હતી. ઈરાને પાડોશી દેશોને નિશાન બનાવી ડ્રોન-મિસાઈલ હુમલાની હારમાળા સર્જી હતી પણ તમામ હુમલા નિષ્ફળ બનાવાયા છે.
ઈરાને આ હુમલામાં બેલેસ્ટીક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ ઈરાનના જયાં મિસાઈલ મથકો આવેલા છે. તે કેશમ ટાપુઓ પર અમેરિકી નૌકાદળે મિસાઈલ દાગી મથકોને ઉડાવી દેવા પ્રયાસ કર્યા હતા.
ઈરાને બીજી તરફ દાવો કર્યો હતો કે તેના દળોએ અમેરિકાના પાંચમા નૌકા કાફલા અને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી મથકો પર હુમલા કર્યા છે. જે રીતે અમેરિકાએ ઈરાનની સંદેશા વ્યવહાર સીસ્ટમ તથા ઓઈલ ટેન્કર પર હુમલા કર્યા તેની જવાબી કરવામાં આવી હતી તથા આ પ્રકારના હુમલાનો વધુ આકરો જવાબ મળવાની ચેતવણી પણ ઈરાને આપી છે.


