ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી : ટ્રમ્પ, તમારી ધમકીઓથી ડરતા નથી, યુધ્ધ લડવા તૈયાર છીએ : ઈરાન
તહેરાન / વોશિંગ્ટન તા.ર૧
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધી ત્યાં સુધી નહીં હટાવે જ્યાં સુધી તેહરાન સાથે કોઈ સમાધાન થઈ જાય તેમ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી આ નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષમાં અમેરિકા ઘણું આગળ છે.
તેના જવાબમાં ઈરાની સંસદના સ્પીકર ગાલીબાફે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ દબાણ કરીને અને યુદ્ધવિરામ તોડીને વાતચીતને એવી બનાવવા માગે છે, જ્યાં ઈરાનને ઝૂકવું પડે અથવા ફરીથી યુદ્ધ શરૂ કરવાનું બહાનું મળી જાય.
ગાલીબાફે આગળ કહ્યું કે ઈરાન કોઈપણ ધમકીના દબાણમાં વાતચીત નહીં કરે. છેલ્લા બે અઠવાડિયામાં ઈરાન યુદ્ધ લડવા માટે નવી તૈયારી કરી ચૂક્યું છે. આ બંને નેતાઓનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો અસ્થાયી યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થવાનો છે.


