ઉના પોલીસને અંધારામાં રાખી જૂનાગઢ સીઆઈડી ક્રાઈમે જાેડિયા હનુમાન મંદિરના કંપાઉન્ડમાંથી લાખોનો ગાંજાે ઝડપ્યો

ઉના પોલીસને અંધારામાં રાખી જૂનાગઢ સીઆઈડી ક્રાઈમે જાેડિયા હનુમાન મંદિરના કંપાઉન્ડમાંથી લાખોનો ગાંજાે ઝડપ્યો

(પ્રતિનિધિ દ્વારા
ઉના તા. ૯
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નશાના કાળા કારોબારનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. ઉના-ચાંચવડ રોડ પર આવેલા જાેડીયા હનુમાનજી મંદિરના કંપાઉન્ડમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હોવાનો પર્દાફાશ સ્થાનિક પોલીસ નહીં, પરંતુ સીઆઈડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ કર્યો છે. આ ઘટનાએ જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ANTFની ટીમે બાતમીના આધારે દરોડો પાડતાં મહિલા આરોપી ગંગાદાસજી અવધેસદાસજી (ઉ.વ. ૩૮)ના કબજાવાળા ખેતરમાંથી ૮ કિલો ૮૩૩ ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂા. ૪,૪૧,૬૫૦ હોવાનું સામે આવ્યું છે. આરોપીની અંગજડતી દરમ્યાન રેડમી કંપનીનો એક સ્માર્ટફોન અને સેમસંગ કંપનીનો એક કીપેડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂા. ૪,૪૭,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ, જૂનાગઢ વિંગ, રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપી સામે ઉના પોલીસ સ્ટેશનમાં NDPS એકટની  કલમ ૮(સી) અને ૨૦(એ) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં હવે ચર્ચા છે કે મંદિરના કંપાઉન્ડમાં ગાંજાની ખેતી લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ? આખરેે સીઆઈડી ક્રાઇમને દરોડો પાડવો પડ્યો. આ ઘટનાએ જિલ્લામાં નશાના કારોબાર સામે સ્થાનિક પોલીસની દેખરેખ અને કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આ મામલે જિલ્લા પોલીસ શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.