‘કરોડોનો ચેક સામે હતો છતાં ના પાડી’, રણવીર સિંહને ‘શક્તિમાન’ બનાવવા અંગે મુકેશ ખન્નાનો મોટો દાવો
મુકેશ ખન્નાના જણાવ્યા મુજબ રણવીર સિંહે લગભગ ત્રણ કલાક સુધી તેમને મનાવવાનો કર્યો પ્રયાસ, સિદ્ધાંતો માટે મોટું આર્થિક નુકસાન સ્વીકાર્યાનો દાવો
મુંબઈ, તા.૨૯
ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય સુપરહીરો શૉ ‘શક્તિમાન’ને લઈને અભિનેતા મુકેશ ખન્નાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, ‘શક્તિમાન’ પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ખૂબ જ ઉત્સુક હતો અને આ માટે તેણે મુકેશ ખન્નાને લગભગ ત્રણ કલાક સુધી મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતે મુકેશ ખન્નાએ રણવીરને આ ભૂમિકા માટે પોતાની સંમતિ આપી નહોતી.
મુકેશ ખન્નાએ રણવીર સાથેની મુલાકાતને યાદ કરતાં તેની એનર્જીની પણ પ્રશંસા કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ત્રણ કલાકની મુલાકાત દરમિયાન રણવીર સતત ઉત્સાહ સાથે પોતાની વાત અને સમગ્ર સ્ટોરી સમજાવતો રહ્યો હતો. મુકેશ ખન્નાએ એવો પણ દાવો કર્યો કે આ મુલાકાત દરમિયાન આદિત્ય ચોપડા પણ ત્યાં આવ્યા હતા.
રણવીરની એનર્જી અંગે વાત કરતાં મુકેશ ખન્નાએ તેને અત્યંત સક્રિય અભિનેતા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે દેવ આનંદ બાદ આટલો એનર્જેટિક અભિનેતા તેમણે ભાગ્યે જ જોયો છે. મુલાકાત દરમિયાન રણવીર એક જગ્યાએ સ્થિર બેસવાને બદલે સતત પોતાની વાત રજૂ કરતો રહ્યો હોવાનું મુકેશ ખન્નાએ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટને લઈને આર્થિક પાસાની વાત કરતાં મુકેશ ખન્નાએ દાવો કર્યો કે તેમની સામે કરોડો રૂપિયાનો ચેક હોવા છતાં તેમણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહોતું. તેમના કહેવા પ્રમાણે, ઓફિસના લોકોએ પણ ચેક સ્વીકારવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે પૈસા કરતાં પોતાના સિદ્ધાંતોને વધુ મહત્વ આપ્યું. મુકેશ ખન્નાએ જણાવ્યું કે પહેલો ચેક તેમણે લીધો હતો, પરંતુ ત્યારબાદ આવનારો બીજો ચેક અટકાવી દીધો હતો.
રણવીર સિંહને ‘શક્તિમાન’ની ભૂમિકામાં સ્વીકારવા અંગે મુકેશ ખન્ના અગાઉ પણ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે તેમના આ નવા દાવા બાદ ‘શક્તિમાન’ ફિલ્મ અને તેની સંભવિત સ્ટારકાસ્ટ ફરી ચર્ચામાં આવી છે.
‘શક્તિમાન’ ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય સુપરહીરો શૉ પૈકીનો એક રહ્યો છે. આ શૉનું પ્રથમ પ્રસારણ વર્ષ ૧૯૯૭માં થયું હતું અને તેનો અંતિમ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો. એક્શન અને ફિક્શન આધારિત આ શૉમાં મુકેશ ખન્નાની સાથે વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ, ટોમ અલ્ટર, નવાબ શાહ અને કિટુ ગિડવાની સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.


