કેશોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજી પોલીસના જાણીતી ડેરીમાં દરોડા : દૂધના નમૂના લેવાયા
શ્રી શક્તિ ડેરી એન્ડ સિલીંગ સેન્ટર પર દરોડા : ડેરીમાંથી સપ્લાય થતા દૂધમાં મિલાવટ હોવાની આશંકા : દરોડાની કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આજે વહેલી સવારથી જ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOG પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે. કેશોદની એક જાણીતી ડેરીમાં દૂધની ગુણવત્તા બાબતે શંકા ઊભી થતા અધિકારીઓએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કેશોદ શહેરમાં આવેલી શ્રી શક્તિ ડેરી એન્ડ સિલીંગ સેન્ટર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસ.ઓ.જી પોલીસની ટીમે અચાનક ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબા સમયથી આ ડેરીની કામગીરી અને ત્યાં મળતા દૂધની શુદ્ધતા અંગે અનેક પ્રશ્નો અને ફરિયાદો ઉઠી રહી હતી. જેના આધારે તંત્ર દ્વારા પૂર્વ આયોજિત પ્લાન મુજબ આ સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમ્યાન અધિકારીઓએ ડેરીના પ્લાન્ટ, સ્ટોરેજ અને સપ્લાય થતા દૂધની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ દૂધની ગુણવત્તા શંકાસ્પદ જણાતા, ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા દૂધના અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને યોગ્ય પદ્ધતિથી સીલ કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે આ ડેરીમાંથી સપ્લાય થતા દૂધમાં મિલાવટ હોવાની આશંકા સેવાઈ રહી હતી. ખાસ કરીને તહેવારોની સીઝન નજીક હોય કે સામાન્ય દિવસોમાં પણ ડેરી પ્રોડક્ટ્સમાં થતી ભેળસેળ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને દૂધમાં કયા પ્રકારના પદાર્થોની મિલાવટ છે કે કેમ, તેની તપાસ શરૂ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ દૂધમાં ભેળસેળ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે અથવા દૂધના ધોરણો મુજબ નહીં હોય, તો ડેરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમાં દંડથી લઈને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે. તંત્રની આ કડક કાર્યવાહીએ અન્ય ડેરી સંચાલકોને પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.



