ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન

જયેશ રાદડીયાએ કહ્યું ખોડલધામ સમાજનું ગૌરવ, જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન

(પ્રતિનિધિ દ્વારા)
વિરપુર તા.૮
લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, આ સત્કાર સમારોહના અંતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયાનું સામે આવ્યું છે. ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું ‘કોલ્ડવોર‘ આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે. ઇફ્કોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી. જોકે, આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન થયું છે. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે. જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયા એ મીડિયા સમક્ષ જણાવ્યું કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે. કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા હતા અને નરેશ પટેલ જયેશ રાદડીયા તેમજ જીતુ વાઘાણી ત્રણેય એક સાથે ભેટી પડ્યા હતા. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું કે આ ખોડલધામ અમારૂ આંગણું છે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમાજના કામમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોર અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ઘણી વખત જે વાતો વહેતી થઈ હોય છે એ સત્યથી વિપરીત હોય છે. સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. ખોડલધામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સાથે જ જીતુ વાઘાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.