ખંભાળિયાના બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

ખંભાળિયાના બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૯
ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા જામ નામના ગઢવી શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે કમિશનથી જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને એના બદલે ખંભાળિયાના રહીશ રમેશ નારણ રાઠોડ દ્વારા નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 
આ સ્થળેથી પોલીસે સાજણ ભારા જામ, હનીફ અબ્બાસ ચમડીયા અને ભીમ હળદર પતાણી તેમજ બે મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.૨૫,૨૦૦ રોકડા, રૂા. ૨૧,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન રૂા. દોઢ લાખની કિંમતનો એક ઓટો રીક્ષા વિગેરે મળી, કુલ રૂપિયા ૧,૯૬,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.