ગીરનારની લીલી પરીક્રમા માટે બનાવેલા રૂટનું કમોસમી વરસાદને કારણે ધોવાણ
નવી સુચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રનાં વાહનો પરીક્રમાના રૂટ ઉપર નહી લાવવા અપીલ કરાઈ
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગરીનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા શરૂ થવાના આડે માત્ર ગણતરીના દિવસો જ રહયા છે. આગામી તા. ર-૧૧-રપથી લીલી પરીક્રમા શરૂ થવાની છે અને જે અંગેની તડામાર તૈયારી હાલ ચાલી રહી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્રમામાં આવનારા ભાવિકો માટે અનેકવિધ પગલાઓ સુવિધા માટે લેવામાં આવ્યા છે. આ દરમ્યાન છેલ્લા ૩ દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ગીરનારની લીલી પરીક્રમા માટે બનાવવામાં આવેલા રૂટ આ વરસાદને કારણે ધોવાઈ ગયેલ છે. અને ત્યાં રીપેરીંગ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે માર્ગો ધોવાઈ ગયેલ છે ત્યાં અતી કીચડ થવાને કારણે વાહનો ફસાઈ જવાની શકયતા છે જેથી પરીક્રમાર્થીઓ માટે સેવાના ઉપલક્ષમાં અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવી સંસ્થા, ઉતારા મંડળ કે અન્ય કોઈ અન્નક્ષેત્રનાં વાહનોને પરીક્રમા રૂટ ઉપર હાલ ન લઈ જવા અપીલ કરવામાં આવી છે. અને જયાં સુધી નવી સુચના ન મળે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવા પણ જણાવેલ છે. રસ્તો રીપેર અને કાદવ કીચડ દૂર થશે એટલે તાત્કાલીક વાહનો લઈ જવા કે નહી તે બાબતે સુચના જારી કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.


