ગુરૂવારે મનપાનું જનરલ બોર્ડ તોફાની બનશે

શહેરનાં રસ્તાની બિસ્માર હાલત, રૂા. ર૭૦ કરોડનાં કામોમાં બેદરકારી સહીતનાં ૧૭ પ્રશ્નોની વિપક્ષ ઝડી વરસાવશે

ગુરૂવારે મનપાનું જનરલ બોર્ડ તોફાની બનશે

જૂનાગઢ તા. ૧૩
જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આગામી તા. ૧પ-૧૦-ર૬ ગુરૂવારનાં રોજ મળી રહી છે. આ બેઠકમાં વિપક્ષ દ્વારા ૧૭ જેટલા લોક પ્રશ્નો મુકવામાં આવશે. અને શાસક પક્ષ પાસે તેનો જવાબ માંગવામાં આવશે. વિપક્ષનાં આકરા તેવરને લઈને આગામી જનરલ બોર્ડની બેઠક ભારે તોફાની બને તેવા નિર્દેશો મળી રહયા છે. જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં ગુરૂવારે મળનારા જનરલ બોર્ડની બેઠકમાં શહેરનાં લોક પ્રશ્નો અને વહીવટી તંત્રને લઈને વિપક્ષ દ્વારા ૧૭ જેટલા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ શાસક પક્ષ અને તંત્રને ઘેરવા માટે વિવિધ પ્રશ્નો મુકવામાં આવી રહયા છે. જેમાં ખાસ કરીને રૂા. ર૭૦ કરોડનાં રસ્તાના કામોમાં ભારે બેદરકારી, પાણીનું આયોજન તેમજ નરસિંહ મહેતા સરોવર ભરવાની બાબત તેમજ વિકાસનાં પ્રોજેકટોમાં બિનજરૂરી વિલંબને પણ મુદો બનાવ્યો છે. આ ઉપરાંત પદાધિકારીઓનાં ઓફીસ ખર્ચ અને વીઆઈપી સુવિધાઓ પાછળ થતાં આડેધડ ખર્ચાઓ સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત સોલાર પેનલની કામગીરી, સાફ સફાઈ, આંગણવાડીનાં બાળકોની પ્રાથમિક સુવિધાઓ, જન્મ મરણનાં દાખલા આપાવમાં થતી લોકોને હેરાનગતી, કર્મચારીઓનાં ૧૦, ર૦, ૩૦ સ્કેલનાં પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનપાની મિલ્કતોની માહિતી અને આરોગ્ય ક્ષેત્રની બેદરકારી અંગે પણ તંત્ર પાસે જવાબ માંગવામાં આવશે. પ્રજાનાં પૈસાનો બેફામ દુરૂપયોગ થતો અટકાવવા તેમજ લોકહિતનાં કામો વહેલી તકે પુરા થાય તે માટે જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા વિવિધ ૧૭ જેટલા સવાલોની ઝડી વરસાવવામાં આવશે. જેને લઈને આગામી જનરલ બોર્ડ ભારે તોફાની બને તેવા નિર્દેશો મળી રહયા છે.