ચાલુ સીઝનમાં મુંબઈમાં સીઝનનો ૯૭ ઈંચ-૧૦પ ટકા વરસાદ નોંધાયો

ચાલુ સીઝનમાં મુંબઈમાં સીઝનનો ૯૭ ઈંચ-૧૦પ ટકા વરસાદ નોંધાયો

મુંબઈ તા. ૧૬ :
ચાલુ વર્ષે મુંબઈ સહિત સમગ્ર દેશમાં ચોમાસા ઉપર ‘અલ નીનો‘ અસર રહી છે. ઓછા વરસાદની ચેતવણી વચ્ચે ઑગસ્ટ મહિનો લગભગ સૂકો રહ્યા બાદ રવિવારના પડેલા મુશળધાર વરસાદથી મુંબઈમાં ર્વાષિક ચોમાસાનો ક્વોટા પૂર્ણ થઈ ગયો છે. મુંબઈમાં ૨૪ જૂનના ચોમાસાનું આગમન થયું હતું ત્યારથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં મુંબઈના ઉપનગરમાં ૨,૪૪૨.૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે મોસમનો સરેરાશ ૧૦૫.૩૩ ટકા વરસાદ ગણાય છે. હવામાન વિભાગના આંકડા મુજબ આ ચાર મહિના દરમ્યાન સાંતાક્રુઝ વેધશાળામાં સરેરાશ ૨,૪૪૨.૬ મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ મુંબઈમાં  કોલાબામાં વેધશાળામાં ૧,૮૯૬.૯ મિ.મી. વરસાદ નોંધાયો છે. મુંબઈમાં ચોમાસાની વિદાયને હજી થોડો સમય બાકી છે, તેમ છતાં સાંતાક્રુઝ સ્ટેશને અત્યાર સુધીમાં બે ટકાના વધારા સાથે આ વર્ષના ચોમાસાના સરેરાશ વરસાદના ક્વોટાને વટાવી દીધો છે.